Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પ્રથમ લહેરે ઈકોનોમીને હલબલાવીઃ બીજી લહેરે પથારી ફેરવી

કોરોના મહામારીએ ભારતની અર્થવ્‍યવસ્‍થાને ‘ગંભીર ઈજા' પહોંચાડીઃ કરોડો લોકોની નોકરી જવા તથા બેડ લોનની સંખ્‍યા વધવાથી નાણાકીય ફટકાથી ઉભા થવાની આશા પર પાણી ફરી વળ્‍યું : દેશનો વિકાસદર તળિયેઃ બેકારો વધ્‍યા-મોંઘવારી આસમાનેઃ મંદીએ ભરડો લીધોઃ વિકાસ યોજનાઓ ઠપ્‍પઃ બેંક ડિફોલ્‍ટરો વધ્‍યા

નવી દિલ્‍હી, તા. ૩ :. કોરોના મહામારીએ ભારતીય અર્થવ્‍યવસ્‍થાને ઉંડા જખમ કર્યા છે. કોરોનાની પહેલી લહેરથી ડગુમગુ ભારતીય અર્થવ્‍યવસ્‍થા હજુ પાટા પર આવી પણ નહોતી ત્‍યાં બીજી લહેરે તેને જોરદાર રીતે હચમચાવી નાખી છે. જેનાથી ભારતના આર્થિક વિકાસની આશાઓ પર પાણી ફરી વળ્‍યુ છે કેમ કે કોરોના કાળમાં કરોડો લોકોની નોકરી ગઈ અને બેંક લોનમાં ડીફોલ્‍ટરોની સંખ્‍યા વધવાથી મહામારીના નાણાકીય ઝટકાથી બહાર આવવું અઘરૂ થઈ ગયું છે.

અર્થશાસ્‍ત્રીઓનું કહેવું છે કે ચેક બાઉન્‍સ થવાના દરમાં વધારાથી માંડીને ગીરવે મુકેલા સોનાના ઘરેણાનું વેચાણ કોરોનાની વિનાશક બીજી લહેરથી થયેલ આર્થિક નુકસાનની હદ દર્શાવે છે.

ભારત સરકાર એ પૂર્વાનુમાન સાથે આગળ વધી રહી છે કે એક એપ્રિલથી શરૂ થયેલ વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થવ્‍યવસ્‍થા ૧૦.૫ ટકા વધશે પણ મંગળવારે દેશની સૌથી મોટી બેંક સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડીયાએ પોતાના વિકાસના અનુમાનને ૧૦.૪ ટકાથી ઘટાડીને ૭.૯ ટકા કરી દીધું છે. એસબીઆઈના મુખ્‍ય અર્થશાસ્‍ત્રી સૌમ્‍ય કાંતિ ઘોષે પોતાના પૂર્વાનુમાનને ઘટાડયા પછી કહ્યું કે દેશમાં જીડીપીનો વૃદ્ધિ દર ૧૦ ટકાથી ઓછો રહેશે. હું આપદા શબ્‍દનો ઉપયોગ નહીં કરૂ પણ એ બહુ સારૂ પરિણામ નહીં ગણાય.

સેન્‍ટર ફોર મોનીટરીંગ ઈન્‍ડીયન ઈકોનોમીના આંકડાઓ અનુસાર કોરોનાના કારણે બેરોજગારી વધી ગઈ છે જે છેલ્લા ૧૨ મહિનાના સર્વોચ્‍ચ સ્‍તર ૧૧.૯ ટકાએ પહોંચી ગઈ છે. એપ્રિલ મહિનામાં તે ૭.૯૭ ટકા હતી. ઉપરાંત ગ્રામીણ રોજગારી જે સામાન્‍ય રીતે ૬-૭ ટકા આસપાસ રહે છે તે મે મા ડબલ ફીગરમાં પહોંચી છે.

ભારતની સૌથી ગોલ્‍ડ લોન કંપનીઓમાંની એક ત્રણપ્‍પુરમ ફાઈનાન્‍સ લીમીટેડે જાન્‍યુઆરી - માર્ચ ત્રિમાસિકમાં લગભગ ૫૫ મીલીયન ડોલરની કિંમતના સોનાની હરરાજી કરી, જે પાછલા ત્રણ ત્રિમાસિકોમાં ૧.૧ મીલીયન ડોલર હતી. નિષ્‍ણાંતોનું કહેવુ છે કે સોનાના દાગીના ગીરવે મુકીને સુરક્ષિત લોન લેનારા લોકોમાં ડીફોલ્‍ટરોની સંખ્‍યા વધવાથી સોનાની હરરાજી વધી રહી છે. સોનાને ગીરવે મુકીને લેવાયેલી લોન ચુકવવા માટે સામાન્‍ય રીતે એક પેઢીથી બીજી પેઢી સુધીની વ્‍યવસ્‍થા છે, ત્‍યારે સોનાની હરરાજી લાંબાગાળાના આર્થિક તણાવના સંકેત છે.  ભારતમાં ચૂંટણીનો સર્વે કરનાર એજન્‍સી ‘સી વોટર' દ્વારા કરાયેલ એક સર્વેક્ષણ અનુસાર મોટી સંખ્‍યાના લોકોના જીવનસ્‍તરમાં ઝડપી ઘટાડો થયો છે અને મોટાભાગના લોકોને આવતા ૧૨ મહિના સુધી આશાનું કોઈ કિરણ નથી દેખાતું.

(11:09 am IST)