Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મહારાષ્‍ટ્રઃ આઠ વર્ષના બાળક પાસે કોવિડ દર્દીનું ટોયલેટ સાફ કરાવાયુ

બાળકનો ટોયલેટ સાફ કરતો વીડિયો વાયરલ

મુંબઇ, તા.૩: મહારાષ્ટ્રના બુલઢાણામાં એક આઠ વર્ષના બાળક પાસે કોવિડ કેર સેન્‍ટરનું ટોયલેટ સાફ કરવાનો મામલો સામે આવ્‍યો છે. બાળકના ટોયલેટ સાફ કરતો વીડિયો વાયરલ થયા બાદ તેની પાસે આ કામ કરાવનાર ગ્રામ પંચાયત સમિતિના સભ્‍યને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક બાળક ટોઈલેટ સાફ કરી રહ્યો છે. એ બાદ એક વ્‍યક્‍તિ તેને મરાઠી ભાષામાં નિર્દેશ પણ આપી રહ્યો છે. ગત ૩ દિવસની અંદર વાયરલ થયેલો આ વીડિયો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મરોડ ગામનો છે. આ વીડિયો ગામના જિલ્લા પરિષદ સ્‍કૂલનો છે. જેને પ્રશાસને આઈસોલેશન સેન્‍ટરમાં ફેરવી દીધુ છે.

હાલના સમયમાં કોરોના દર્દી ત્‍યાં સારવાર લઈ રહ્યા છે. ગામ સમિતિને ખબર પડી કે અહીં જિલ્લા અધિકારી નિરિક્ષણ માટે આવવાના છે તેવામાં કોઈ ટોયલેટની સફાઈ માટે તૈયાર ન થયુ. તો પંચાયત સમિતિના એક અધિકારીએ પોતાના નંબર વધારવા માટે ૮ વર્ષના બાળકને ધમકાવીને ટોયલેટ સાફ કરાવ્‍યું.

બાળકે જણાવ્‍યું કે ટોયલેટ સાફ કરાવવા માટે તેને લાકડીથી માર માર્યો હતો અને ધમકાવ્‍યો હતો. બાળકે જણાવ્‍યુ કે ટોયલેટ સાફ કરાવવાના બદલામાં તેને ૫૦ રુપિયા આપવામાં આવ્‍યા હતા.  મળતી જાણકારી મુજબ વીડિયોમાં પંચાયત સમિતિના જે અધિકારી બાળકને નિર્દેશ આપી રહ્યા છે. તેમને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. ત્‍યારે ભાજપના નેતા ચિત્રા વાદ્યે આ ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓ પર એક્‍શન લેવાની માંગ કરી છે.

(11:14 am IST)