Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રિટેલ, હોલસેલ વેપારને ૬૦ દિવસમાં રૂ.૧૫ લાખ કરોડનું નુકસાન

લોકડાઉન સહિતના નિયંત્રણોથી મહારાષ્ટ્રમાં વેપારીઓને રૂ.૧.૫૦ લાખ કરોડનો, ગુજરાતમાં રૂ. ૭૫,૦૦૦ કરોડનો ફટકો

નવી દિલ્હી,તા.૩ કોવિડ-૧૯ની બીજી લહેરથી ઘણા રાજયોમાં લોકડાઉનને પગલે છેલ્લા ૬૦ દિવસમાં સ્થાનિક વેપારને લગભગ રૂ.૧૫ લાખ કરોડનું નુકસાન થયું છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ગઇ કાલે જણાવ્યું હતું કે, 'નાના બિઝનેસ અત્યારની સ્થિતિમાં ખર્ચ ઘટાડવાની અને કર્મચારીઓની છટણીની વિચારણા કરી રહ્યા છે.'

CAITના જણાવ્યા અનુસાર 'બિઝનેસ સંબંધી નિયંત્રણ ચાલુ રહેશે અને કોઈ નાણાકીય સહાય નહીં મળે તો વેપારીઓને ૩૦ ટકા જોબ કટનો અંદાજ છે. પહેલી વખત દેશભરના વેપારીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું વિચારી રહ્યા છે.  રિટેલ એક માત્ર એવું સેકટર છે જે મોટા પાયે સ્વરોજગારી પૂરી પાડે છે ત્યારે નોકરીમાં કાપ મોટી સમસ્યા ઊભી કરી શકે.'

CAITના અંદાજ પ્રમાણે ભારતમાં ૮ કરોડ નાના બિઝનેસ વેપારી પ્રવૃત્ત્િ। સાથે સંકળાયેલા છે, જે લગભગ ૪૦ કરોડ લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે. કોરોનાની બીજી અને વધુ ગંભીર લહેરને કારણે વ્યસ્ત બજારો, મોલ્સ અને હોલસેલ માર્કેટ્સને લાંબો સમય બંધ રાખવાની ફરજ પડી છે. જીવનજરૂરી ચીજો સિવાયનો તમામ વેપાર ઠપ થઈ ગયો છે. મહારાષ્ટ્ર જેવા રાજયોએ આંશિક રીતે બજારો ખોલવાનું શરૂ કર્યું છે, પણ દેશના અન્ય ભાગોમાં જીવનજરૂરી ચીજો સિવાયનો મોટા ભાગનો બિઝનેસ બંધ છે.

CAITના પ્રેસિડેન્ટ બી સી ભરતિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'CAIT અને અગ્રણી વેપારી સંગઠનો પાસેથી મળેલા અભિપ્રાયને પગલે દેશમાં કોવિડથી બીજી લહેરને પગલે આંતરિક વેપાર અને વાણિજયને લગભગ રૂ.૧૫ લાખ કરોડનું નુકસાન થયું છે, જે ઘણું મોટું છે. દેશભરમાં વાર્ષિક રૂ.૧૧૫ કરોડનો સ્થાનિક વેપાર થાય છે એ બાબતને ધ્યાનમાં લઇએ તો રૂ.૧૫ લાખ કરોડનો આંકડો ઘણો મોટો છે.' ભરતિયાએ જણાવ્યું હતું કે, 'રૂ.૧૫ લાખ કરોડના નુકસાનમાં રિટેલ વેપારને ડ્ડ૯ લાખ કરોડ અને હોલસેલ વેપારને રૂ.૬ લાખ કરોડનો ફટકો પડ્યો છે.'

CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, 'અમે લોનમાફીની માંગ કરતા નથી, પણ કેન્દ્ર અને રાજય સરકારને વિવિધ પોલિસીમાં રાહત આપવાનું જણાવી રહ્યા છીએ. જેમકે, કાયદાકીય કમ્પ્લાયન્સમાં છૂટછાટ અને બિઝનેસને ફરી શરૂ કરવા માટેના નિયમોમાં રાહત મળવી જરૂરી છે.'

(11:42 am IST)