Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વધુ એકટેન્શન : બાળકોમાં હવે દેખાય છે બિમારી MIS-C

કોરોના થયો હોય અથવા તો એના દર્દીના સંપર્કમાં રહ્યાં હોય એવા બાળકોને થાય છે આ બીમારી

નવી દિલ્હી,તા. ૩: કોરોનાનો કહેર ઓછો થયા બાદ એની સારવાર દરમ્યાન જે લોકોને વધુ માત્રામાં સ્ટેરોઇડ્સ કે ઓકિસજન આપવામાં આવ્યો હોય એવા દરદીઓને મ્યુકરમાઇકોસિસની બીમારી થાય છે એ તો હજી તાજું જ છે ત્યાં હવે બાળકોમાં કોરોના સંબંધી એક નવી બીમારી જોવા મળી રહી છે. એનું નામ છે MIS-C (મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન). સામાન્ય રીતે આ બીમારી બાળકોને થતી હોય છે, પણ કોરોનાને લીધે આ બીમારી થાય એ નવી વાત છે.

આ બીમારી એવાં બાળકોને થાય છે જેઓ કોરોના પોઝિટિવ થયાં હોય અથવા તો કોરોનાના દરદીઓના સંપર્કમાં આવ્યાં હોય. આ બીમારી કોઈ પણ ઉંમરના બાળકને થઈ શકે છે. એ મોટા ભાગે ૩થી ૧૨ વર્ષનાં બાળકોમાં વધુ જોવા મળે છે. કયારેક આ બીમારી મોટા લોકોમાં પણ જોવા મળે છે. કોરોના થયાનાં ત્રણ અઠવાડિયાંથી ૩ મહિના સુધીમાં એ થઈ શકે છે. બોરીવલીમાં રહેતો છ વર્ષનો ગુજરાતી બાળક MIS-Cબીમારીની ચપેટમાં આવી ગયો હતો જેની હોસ્પિટલમાં યોગ્ય સારવાર કરતાં હવે તે સ્વસ્થ છે. ડોકટરોનું કહેવું છે કે જો સમય પર એની સારવાર થઈ જાય તો દરદી સાજો થઈ જાય છે. MIS-C ચેપી નથી.

MIS-Cબીમારીનો ભોગ બનેલા છ વર્ષના અર્હમ શાહના દાદા મનોજ શાહે કહ્યું હતુ કે 'આઠ મેએ અર્હમને તાવ આવતો આવ્યો હતો. ત્રણ દિવસ તાવ ૧૦૨ અને ૧૦૩ રહેતાં અમે પીડિયાટ્રિશ્યનને બતાવ્યું હતું. તેમણે એન્ટિ-બાયોટિક દવા આપી જે લીધા પછી પણ અર્હમનો તાવ ઊતરતો નહોતો. આથી અમે ફરી ડોકટર પાસે ગયા અને ડોકટરે તેને તેમની હોસ્પિટલમાં એડ્મિટ કરી બ્લડ-ટેસ્ટ, કોરોના-ટેસ્ટ વગેરે મળીને વીસથી પણ વધુ ટેસ્ટ કરી હતી જેના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. જોકે તાવ ઊતરતો નહોતો અને ડાયેરિયા થઈ ગયો હતો તેમ જ આંખો પણ લાલ થઈ ગઈ હતી એટલે ડોકટરે કહ્યું કે તમે અર્હમને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. અર્હમની હાલત જોઈને પરિવારના સદસ્યો પણ ગભરાઈ ગયા હતા અને શું થયું હશે એની ચિંતા સૌને થતી હતી. ડોકટરની સલાહ મુજબ અમે તરત જ કોકીલાબેન હોસ્પિટલમાં અર્હમને લઈ ગયા હતા. અર્હમનાં લક્ષણો જોઈને ડોકટરને તરત જ MIS-C બીમારીનો ખ્યાલ આવી ગયો હતો અને અર્હમને પીડિયાટ્રિશ્યન ઇમરજન્સીમાં લઈ ગયા હતા અને જરૂરી એવી બધી ટેસ્ટ કરીને આઠ દિવસ હોસ્પિટલમાં એડ્મિટ કર્યો હતો. જોકે એડ્મિટ કર્યાના ત્રણ દિવસની સારવાર દરમિયાન અર્હમને સારું થવા લાગ્યું હતું. ૧૯  મેએ અમે અર્હમને ઘરે લઈ આવ્યા હતા. એક મહિના સુધી દવાનો કોર્સ ચાલુ રહેશે. હાલમાં અર્હમ સ્વસ્થ છે, પરંતુ થોડી અશકિત આવી ગઈ છે. જો બાળકોમાં MIS-Cનાંલક્ષણો દેખાય તો મોડું કર્યા વિના તરત જ તેમને સારી હોસ્પિટલમાં સારવાર આપો જેથી યોગ્ય સમયે ટ્રીટમેન્ટ થઈ જતાં બાળકને ઓછી તકલીફ સહેવી પડે.'

લક્ષણો શું છે?

 . આંખો-જીભ લાલ થવી.

 . ત્રણ દિવસથી વધુ હાઈ ફીવર.

 . વોમિટિંગ.

 . ત્વચા લાલ થઈ જવી.

 . હૃદયના ધબકારા વધી જવા.

ડોકટરનું શું કહેવું ?

પીડિયાટ્રિશ્યન ડોકટર પંકજ પારેખે આ બાબતે કહ્યું હતું કે 'MIS-C (મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી  સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન) નામની બીમારી જેમને પહેલાં કોરોના થયો હોય કે પરિવારની કે કોઈ કોરોના સંક્રમિત વ્યકિતનાં સંપર્કમાં આવ્યાં હોય એવાં બાળકોને ત્રણ અઠવાડિયાથી ત્રણ મહિના સુધીમાં થઈ શકે છે. એમાં બાળકોને ત્રણ દિવસથી વધુ તાવ આવે કે વોમિટિંગ, ડાયેરિયા કે પછી ત્વચા લાલ થવી જેવાં લક્ષણો દેખાય છે.  આ બીમારીની મુખ્ય બે ટ્રીટમેન્ટ છે : આઇવીઆઇજી અને સ્ટેરોઇડ્સ. આ બીમારીથી ગભરાવાની જરાય જરૂર નથી. મોટા ભાગે નેવું ટકા બાળકો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટથી સારાં થઈ જાય છે. કયારેક પેશન્ટ સિરિયસ થઈ જાય તો તેને વેન્ટિલેટર પર મૂકવો પડે છે. જોકે આવું તો ભાગ્યે જ થાય છે. આ બીમારીમાં મૃત્યુના ચાન્સિસ નહીં બરાબર છે.'

(11:43 am IST)