Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સિરમના સીઇઓને સુરક્ષાની ખાતરી આપવા સરકારને હુકમ

વેકિસન ફાળવણી અંગે મળતી ધમકીથી લંડન પહોંચ્યા : પુનાવાલા અસુરક્ષિત અનુભવી રહ્યા હોય તો ઉચ્ચ પોલીસ અધિકારી, ગૃહમંત્રીને વ્યકિતગત રીતે વાત કરે કોર્ટની સુચના

મુંબઇ, તા. ૩ : કોરોનાની વેકિસન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને વેકિસનની સપ્લાઈ મામલે ફાળવણીને પગલે મળતી ધમકીઓને કારણે પરિવાર સહિત લંડન પહોંચી ગયા હતા. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી કે, વેકિસન બનાવી દેશ સેવામાં લાગેલા અદાર પૂનાવાલાને દેશમાં સુરક્ષિત હોવાનો અનુભવ થાય તે માટે ઉદ્ઘવ સરકારને તેમની સુરક્ષા વધારવાના આદેશ આપવા જોઈએ.

અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે રાજય સરકારને કહ્યું કે, 'અદાર પૂનાવાલા કોરોના મુકિત માટે વેકિસન ઉપલબ્ધ કરાવી દેશ સેવા કરી રહ્યાં છે. જો તેઓ દેશમાં અસુરક્ષિત અનુભવી રહ્યાં હોય તો ઉચ્ચ પોલીસ અધિકારી અથવા ગૃહમંત્રી તેમની સાથે વ્યકિતગત રીતે વાત કરે અને સરકાર તેમની સુરક્ષાની ખાતરી આપે.' બોમ્બે હાઈકોર્ટે રાજય સરકારને ૧૦ જૂને આ મામલે અપડેટ આપવા માટે પણ આદેશ કર્યો છે. અદાર પૂનાવાલાને રાજય સરકાર દ્વારા અગાઉ વાય-કેટેગરીની સુરક્ષા આપવામા આવી હતી.

આ ઉપરાંત કેન્દ્ર તરફથી પણ સીઆરપીએફ જવાન સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા હતા. અદાર પૂનાવાલાને ભારત પરત ફરવા પર તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવા મુદ્દે રાજય સરકાર વિચાર કરી રહી હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડની સપ્લાઇ પહેલા તેમના રાજયમાં આપવામાં આવે, એવી માગ કરતા કેટલાક વગદાર લોકો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે અને પ્રેશર ઉભું કરવામાં આવી રહ્યું છે એવો આરોપ અદાર પૂનાવાલાએ ઇંગ્લેન્ડના સમાચારપત્ર 'ટાઇમ્સ'માં આપેલા ઈન્ટરવ્યુમાં લગાવ્યો હતો.

(11:44 am IST)