Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

૧૮-૪૪ વયજૂથનાને કોરોના રસીની કેન્દ્રની નીતિ પક્ષપાતી અને તર્કહીન

૩૫૦૦૦ કરોડ ૧૮ થી ૪૪ના લોકોને ફ્રીમાં રસી કેમ આપી ન શકાયઃ સુપ્રિમનો સવાલ

નવી દિલ્હી, તા.૩: દેશમાં કોરોના રસીકરણ મામલે ચાલી રહેલી અંધાધૂંધીથી ખફા સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારની વેકિસન પોલિસી પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૪૫થી વધુ વયના નાગરિકોનેે વિનામૂલ્યે અને ૧૮-૪૪ની વયજૂથના લોકોને કિંમત વસૂલીને કોરોના રસી આપવાની કેન્દ્ર સરકારની નીતિ પક્ષપાતી અને તર્કહીન છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તેની વેકિસન પોલિસીની પુનઃસમીક્ષા કરવા અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી કેટલી રસી ઉપલબ્ધ થશે તે અંગેનો રોડમેપ અદાલત સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કોરોના રસીની કિંમતનો મામલો ઉઠાવતાં કેન્દ્ર સરકારને ભારતમાં ઉપલબ્ધ કોરોના રસીની કિંમતો અને તેમની આંતરરાષ્ટ્રીય કિંમતની સરખામણી રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે રસીકરણને અત્યંત મહત્ત્વનું ગણાવતા જણાવ્યું હતું કે, ૧૮-૪૪ની વયજૂથના લોકો ન કેવળ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે પરંતુ ગંભીર અસરોનો સામનો કરી રહ્યાં છે. તેમને લાંબો સમય હોસ્પિટલોમાં રહેવું પડે છે અને દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓમાં મોત થઇ રહ્યાં છે.

કેન્દ્ર સરકારને કરેલા આદેશમાં જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ એલ એન રાવ જસ્ટિસ એસ રવિન્દ્ર ભટની બેન્ચે જણાવ્યું હતું કે, સરકારે પહેલા બે તબક્કામાં ચોક્કસ જૂથોને વિનામૂલ્યે રસી આપી અને ત્યારપછી રાજય સરકારો અને ખાનગી હોસ્પિટલોને નાણા વસૂલીને ૧૮-૪૪ના વયજૂથના લોકોને રસી આપવાનું કહ્યું જે પક્ષપાતી અને તર્કહિન છે. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકારે કોરોના રસીની ખરીદી માટે રૂપિયા ૩૫,૦૦૦ કરોડના બજેટની ફાળવણી કરી છે તો તેનો ઉપયોગ ૧૮-૪૪ની વયજૂથના લોકોને રસી આપવા કેમ કરાતો નથી? શું રાજય સરકારો ૧૮-૪૪ની વયજૂથના લોકોને વિનામૂલ્યે રસી આપવા તૈયાર છે?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવેકિસન, કોવિશિલ્ડ અને સ્પુટનિક ફાઇવ સહિતની તમામ કોરોના વેકિસનની અત્યાર સુધી કરાયેલી ખરીદીનો વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેની વેકિસન નીતિને લગતાં તમામ દસ્તાવેજ અને ફાઇલ નોટિંગ્સ અદાલત સમક્ષ બે સપ્તાહમાં રજૂ કરે. સુપ્રીમ કોર્ટે મ્યુકરમાઇકોસિસની સારવારમાં વપરાતી દવાઓની ઉપલબ્ધતા માટે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ કેન્દ્ર પાસે માહિતી માગી છે.વધુ સુનાવણી ૩૦ જૂનના રોજ હાથ ધરાશે.

૧. કોવેકિસન, કોવિશિલ્ડ અને સ્પુટનિક ફાઇવની ખરીદીના તમામ ઓર્ડરની તારીખ ૨. દરેક તારીખે વેકિસનના કેટલા ડોઝ ઓર્ડર કરાયા તેની માહિતી ૩. ઓર્ડર પ્રમાણે સરકારને અંદાજિત કઇ તારીખે વેકિસનનો સપ્લાય મળશે? ૪. કોરોના વેકિસનની ખરીદીને લગતા તમામ દસ્તાવેજો અને ફાઇલ નોટિંગ્સ ૫. દેશની બાકીની જનતાને કયાં સુધીમાં રસી આપી શકાશે તેની રૂપરેખા ૬. અત્યાર સુધીમાં કેટલી વસતીને રસીના એક કે બે ડોઝ અપાયા તેની ટકાવારી ૭. ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં કરાયેલા રસીકરણની સંપુર્ણ વિગતો ૮. કોરોના રસી માટે ફાળવાયેલા રૂ. ૩૫,૦૦૦ કરોડને અત્યાર સુધી કેવી રીતે ખર્ચ કરાયા

સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ હાથ ધરાયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, અદાલતોએ સરકારના નિર્ણયોમાં માથુ મારવું જોઇએ નહીં. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સરકારની નીતિઓના કારણે નાગરિકોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે અદાલતો મૂકપ્રેક્ષક બનીને બેસી રહી શકે નહીં.

(11:45 am IST)