Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

૧૦ મીએ કંકણાકૃતિ - ખંડગ્રાસ સૂર્યગ્રહણ

ભારતમાં નહીં દેખાય : ઉતર કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળશે : જયારે ઉ. અમેરીકા, યુરોપ, એશિયામાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે

રાજકોટ તા. ૩ : વર્ષ ૨૦૨૧ નું ભારતનું આખરી સૂર્યગ્રહણ તા. ૧૦ ના ગુરૂવારે જોવા મળશે. કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો પ કલાકનો અવકાશી નજારો નિહાળવા મળશે. ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી દ્વારા રાજયભરમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો થશે.

જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ વૈશાખ વદ અમાસ ગુરૂવાર તા. ૧૦ ના મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશીમાં થનારૂ આ કંકણાવૃત્તિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં કયાંય જોવા નહીં મળે. ઉતર કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળશે. જયારે ઉ. અમેરીકાના ઉત્તર ભાગમાં, યુરોપ, એશિયામાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે.

ભારતીય સમય મુજબ ભુમંડલે ગ્રહણ સ્પર્શ ૧૩ કલાક ૪૨ મિનિટ રર સેકન્ડ, ગ્રહણ મધ્ય ૧૬ કલાક ૧૧ મિનિટ ૫૭ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ૧૮ કલાક ૪૧ મિનિટ રર સેકન્ડે થશે.

વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં જનજાગૃતિ કાર્યક્રમો થકી સદીઓ જુની ગેરમાન્યતાઓનું ખંડન કરી ગ્રહણ સંબંધી સાચી માહીતી અપાશે. જાથાની વિચારધારા સાથે સહમત લોકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:48 am IST)