Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મહિલાઓ અને બાળકોને ડાકણ તરીકે ઓળખાતી સ્ત્રીથી સુરક્ષિત રાખતું પેન્ડન્ટ

ગળાના ચેનની સાથે પહેરાતું આ પેન્ડન્ટ (ચગદુ) ૧૫૦૦ વર્ષ પ્રાચીન હોવાનું પુરાતત્વવિદોનું મંતવ્ય : ઈઝરાયલમાં રહેતા એક પરિવારના વડીલને ૪૦ વર્ષ પહેલા મળી આવેલું આ ચગદુ તેમના વારસદારોએ સરકારના પુરાતત્વ વિભાગને સોંપ્યું

ઈઝરાઈલ  તા. ૩ : મહિલાઓ અને બાળકોને ડાકણ તરીકે ઓળખાતી સ્ત્રી એટલેકે દુષ્ટ આત્માઓથી સુરક્ષિત રાખતું ૧૫૦૦ વર્ષ જૂનું પેન્ડન્ટ ઈઝરાયલમાં મળી આવ્યું છે. સોલોમન સીલ તરીકે ઓળખાતું આ ચગદુ ૫ મી અથવા ૬ છઠ્ઠી સદીનું હોવાનું પુરાતત્વવિદોનું મંતવ્ય છે.

ઉત્તર ઈઝરાયલમાં રહેતા એક પરિવારના તોવા હાવિવ નામક એક વ્યકિતને ૪૦ વર્ષ પહેલા તે મળી આવ્યું હતું. તેઓ હવે હયાત નથી તેથી તેમના પરિવારે આ તાવીજ સરકારના પુરાતત્વ વિભાગને સોંપી દીધું હતું.

ત્રિકોણાકાર આકૃતિ ધરાવતા આ પેન્ડન્ટની એક બાજુ ઘોડેસવાર દેખાય છે. જે ભાલો ફેંકી રહ્યો હોય તેવું જણાય છે. તેવું ઇઝરાઇલ એન્ટિકિવટીસ ઓથોરિટીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે.

'સોલોમન સીલ' તરીકે વિખ્યાત પ્રાચીન આકૃતિ કે જેને ગેલ્લો / ગિલ્લો  સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે  સ્ત્રી મહિલાઓ અને બાળકોને ડરાવે છે. તેની આંખો દુષ્ટ ભાવનાઓથી ભરેલી હોય છે. મહિલાઓ અને બાળકોને પોતાનો શિકાર બનાવવા આવી રહેલી આ  સ્ત્રીને પેંડલમાં દર્શાવેલા સવાર મારફત પરાજિત કરી દેવામાં આવે છે.

ગ્રીક દંતકથા મુજબ ગેલ્લો એક  સ્ત્રી રાક્ષસ છે. જેના વિષે એવી માન્યતા હતી કે તે મહિલાઓને કસુવાવડ કરાવી વાંઝણી બનાવી દે છે. ગર્ભસ્થ શિશુને મોતને ઘાટ ઉતારી દે છે.

ચગદા ઉપર દેખાઈ રહેલા ઘોડેસવારની આજુબાજુમાં ગ્રીક ભાષામાં લખાણ છે.જેનો અર્થ ડાકણને પરાજિત કરતા ભગવાન એવો થાય છે.ઘોડાની નીચે ગ્રીક અક્ષરો “I A W T” છે, જે હિબ્રુ ભગવાન વાય-એચ-ડબલ્યુ-એચ અથવા યહોવાહના નામની જોડણી દર્શાવે છે.

પેન્ડન્ટની બીજી બાજુ પર એક આંખ અનેક તીરોથી વીંધાયેલી જોવા મળે છે. અને તેની આસપાસ બે સિંહ, સાપ, વીંછી અને પક્ષી જોવા મળે છે. તથા ગ્રીક ભાષામાં 'વન ગોડ' એટલે કે 'એક ભગવાન લખેલું વંચાય છે.'

ઈઝરાઈલ સરકારે  શ્રેષ્ઠ નાગરિકતા દર્શાવનાર પેન્ડન્ટ સોપનાર પરિવારનો ફેસબુક પોસ્ટમાં આભાર માન્યો છે. તેવું ડી.એન.એ. દ્વારા જાણવા મળે છે.

(11:49 am IST)