Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જીએસટીમાં અભી બોલા અભી ફોક : રિટર્ન મોડું તો એમેનિટીનો લાભ નહીં

GSTR ૪-૧૦ તથા વાર્ષિક રિટર્નમાં નિયમ પ્રમાણે જ દંડ વસૂલ કરાશે : ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવાના નિયમથી વેપારીઓમાં કચવાટ

નવી દિલ્હી,તા. ૩: જીએસટી રીટર્ન મોડુ ભરનારપાસે ૫૦૦થી એક હજાર રૂપિયા સુધીનો જ દંડ લઇને રીટર્ન ભરવા માટે એમેનીટી સ્કીમ લાવવામાં તો આવી છે. પરંતુ તેમાં કંપોઝીશન સ્કીમ, જીએસટી નંબર રદ કરાવનાર તેમજ વાર્ષિક રીટર્ન મોડુ ભરનાર પાસેથી પણ નિયમ પ્રમાણે જ દંડની વસુલાત કરવામાં આવનાર છે. તેના કારણે એકને ગોળ અને એકને ખોળ જેવી નિતી જીએસટી કાઉન્સીલ દ્વારા અપનાવવામાં આવતા વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

જીએસટી કાઉન્સીલની બેઠકમાં એમેનીટી સ્કીમની જાહેરાત કરીને જીએસટીઆર ૧ અને ૩બી રીટર્ન જુલાઈ ૨૦૧૭થી બાકી હોય તેવા વેપારીઓ ૫૦૦થી એક હજાર ભરીને રીટર્ન ફાઇલ કરવાની છુટ આપવામાં આવી છે. જોકે તેનો લાભ આ બે જ રીટર્ન પુરતો મર્યાદીત રાખવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે જીએસટીઆર ૪ એટલે કે કંપોઝીશન સ્કીમનો લાભ લેનાર તથા જીએસટી નંબર સામે ચાલીને રદ કરાવનાર વેપારીઓ અને જીએસટી વાર્ષિક રીટર્ન ભરનાર વેપારીએ રીટર્ન ભરવામાં મોડુ કર્યું હશે તો તેઓ પાસેથી નિયમ પ્રમાણે જ દંડ વસુલ કરવામાં આવનાર છે. તેમાં જીએસટી નંબર રદ કરાવનાર વેપારીએ રીટર્ન ભર્યું નહીં હોય તો નિયમ પ્રમાણે ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસુલ કરાશે. તેની સાથે સાથે વાર્ષિક ટનમાં પણ રોજના ૧૦૦ રુપિયા લેખે દંડ વસુલ કરવાનો નિયમ હોવાથી તેમાં પણ રાહત આપવાની તાતી જરુરીયાત હતી. પરંતુ તેમાં રાહત નહીં અપાતા વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જેથી આ અંગે પણ આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવે તો અનેક વેપારીઓને તેનો સીધો લાભ મળી શકે તેમ છે. કારણ કે મસમોટા દંડના કારણે જ હજુ સુધી અનેક વેપારીઓએ રીટર્ન ભર્યા નથી અને તેઓ એમેનીટી સ્કીમનો લાભ મળે તેની રાહ જોઇને બેઠા હતા.પરંતુ જીએસટી કાઉન્સીલના નિર્ણયથી તેઓની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યુ છે.

(11:50 am IST)