Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ચીન પાસે સૂર્યની પણ તાકતવર છે કૃત્રિમ સૂર્ય : ૧૬ કરોડ ડીગ્રી સુધી તાપમાન

સુર્યની જેમ પ્રકાશ આપશે એટલુ જ નહિ ઉર્જાની જરૂરીયાત પણ પૂર્ણ કરશે

બીજીંગ,તા. ૩: ચીન તેના મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં આગેકૂચ કરી રહ્યું છે. ચીને હાલમાં કૃત્રિમ સૂર્ય (આર્ટિફિશિયલ સન) બનાવવામાં લાગ્યું છે. તેના આર્ટિફિશિયલ સન ન્યુકિલયર ફ્યુઝન રિએકટરે નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ રિએકટર ૧૦૦ સેકન્ડ સુધી ૨૧૬ મિલિયન ડિગ્રી ફેરનહિટ (૧૨૦ મિલિયન સેલ્સિયસ) તાપમાન પર ચાલ્યું હતું. અગાઉ આ રિએકટરે ૨૮૮ મિલિયન ફેરનહિટનું તાપમાન મેળવ્યું હતું જે સૂર્ય કરતા ૧૦ ગણું વધારે ગરમ હતું.

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે ચીનના વૈજ્ઞાનિકોને આશા છે કે એકસપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપરકન્ડકિટંગ તોકામક (EAST) શકિતશાળી ગ્રીન એનર્જીનો સ્ત્રોત બની શકે છે.

આ રિએકટર ગત ડિસેમ્બરમાં પ્રથમ વખત શરૂ થયું હતું અને ત્યારે તેણે ૧૦૦ સેકન્ડ સુધી ૧૮૦ મિલિયન ફેરનહિટ પ્લાઝમા ટેમ્પરેચર મેન્ટેન કર્યું હતું. શેનઝેનની સધર્ન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફિઝિકસના ડાયરેકટર લિ મિઆઓએ જણાવ્યું હતું કે, હવે અમારો આગામી લક્ષ્યાંક એક સપ્તાહ સુધી સાતત્યપૂર્ણ તાપમાન જાળવી રાખવાનો હોવો જોઈએ.

અમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારો મુખ્ય લક્ષ્યાંક લાંબા સમય સુધી એકધારૂ તાપમાન જાળવી રાખવાનો હોવો જોઈએ. આ ચીનનું સૌથી મોટુ અને અત્યાધુનિક ન્યુકિલયર ફ્યુઝન એકસપેરિમેન્ટલ રિસર્ચ ડિવાઈસ છે. તે હોટ પ્લાઝમાં ફ્યુઝ કરવા માટે શકિતશાળી મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરે છે.

સૂર્ય અને તારાઓમાં જે કુદરતી ન્યુકિલયર ફ્યુઝન પ્રક્રિયા થાય છે જેનાથી અખૂટ કલીન એનર્જી મળે છે તે જ પ્રક્રિયા આમાં કૃત્રિમ રીતે કરવામાં આવે છે. આ મશીન ચીનના પૂર્વમાં અન્હુઈ પ્રાંતમાં આવ્યું છે અને ગત વર્ષે જ તેને પૂર્ણ કરવામાં આવ્યું હતું. તેમાં થતી પ્રક્રિયાથી ઉત્પન્ન થતી ભયંકર ગરમી અને પાવરના કારણે તેને કૃત્રિમ સૂર્ય કહેવામાં આવે છે.

ચીનના વૈજ્ઞાનિકો ફ્રાન્સમાં આવેલા વિશ્વના સૌથી મોટા ન્યુકિલયર ફ્યુઝન રિસર્ચ પ્રોજેકટ ઈન્ટરનેશનલ થર્મોન્યુકિલયર એકસપેરિમેન્ટલ રિએકટર (આઈટીઈઆર) સાથે મળીને તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા છે. આઈટીઈઆર પ્રોજેકટ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. સાઉથ કોરિયાએ પણ પોતાનો કૃત્રિમ સૂર્ય તૈયાર કર્યો છે. જે કોરિયા સુપરકન્ડકિટંગ તોકામાક એડવાન્સ્ડ રિસર્ચ (કેએસટીએઆર) છે અને તે ૨૦ સેકન્ડ સુધી ૧૮૦ મિલિયન ફેરનહિટ પર ચાલ્યો હતો.

(11:50 am IST)