Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મેગી સહિત નેસ્લેની ૬૦ ટકા પ્રોડકટ 'અનહેલ્ધી' : કંપનીએ ખુદ સ્વીકાર કર્યો

બજારમાં તેના ઉત્પાદનની વધતી જતી માંગને લીધે હેલ્ધી પ્રોડકટ પર ખાસ ધ્યાન અપાઇ નથી રહ્યું : Nestleના ફૂડ એન્ડ ડ્રિંન્ક પોર્ટફોલિયોમાંથી ૭૦ ટકા પ્રોડકટ આરોગ્ય માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ :ભારત સરકારે જૂન ૨૦૧૫માં મેગી નૂડલ્સ પર દેશવ્યાપી પ્રતિબંધ મુકયો હતો

નવી દિલ્હી,તા.૩: Maggi નૂડલ્સ, કિટકેટ અને Nescafe coffee જેવા ખાદ્ય ઉત્પાદનો બનાવતી Nestle કંપની ફરી એકવાર તેના પ્રોડકટ્સને લઇને ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે, કંપનીએ જાતે જ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેની ૬૦ ટકા ફૂડ પ્રોડકટ અને ડ્રિંન્કસ Unhealthy છે. એટલે કે તેના ઉત્પાદનો ખાવા-પીવા લાયક નથી, જેનાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. આ વાતનો ખુલાસો બ્રિટનના મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.

Nestle કંપનીએ જાતે તેના ૬૦ ટકા ફૂડ ઉત્પાદનો ખાવા લાયક ન હોવાનો સ્વીકાર કરતા કહ્યું કે, કંપની તેના ઉત્પાદનોને સુરક્ષિત બનાવવા માટે કાર્યશીલ છે. કંપનીનું કહેવુ છે કે તેણે ખાદ્ય ઉત્પાદનોમાં નોંધનીય સુધારો કર્યો છે, પરંતુ અમારો પોર્ટફોલિયો હાલમાં પણ આરોગ્ય માપદંડો સામે ખરો ઉતરતો નથી. કંપનીએ એમ પણ સ્વીકાર્યું હતું કે બજારમાં તેના ઉત્પાદનની વધતી જતી માંગને લીધે હેલ્ધી પ્રોડકટ પર ખાસ ધ્યાન અપાઇ નથી રહ્યું.

રિપોર્ટ મુજબ ૨૦૨૧ની શરુઆતમાં જ કંપનીના ટોપ એકિઝકયુટિવ્સ વચ્ચે જાહેર અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ હેઠળ કંપનીના ૩૭ ટકા ઉત્પાદનો જ ૩.૫નું કે તેથી વધુ રેટિંગ મેળવી શકયા છે. કંપનીના ૬૦ ટકા ઉત્પાદનો આ સિસ્ટમના માપદંડોને સંતોષી શકયા ન હતા. ઓસ્ટ્રેલિયાની આ સિસ્ટમ ખાદ્ય પદાર્થોને સ્ટાર રેટિંગ આપે છે જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે બેન્ચમાર્ક તરીકે કરવામાં આવે છે. Nestleના ફૂડ એન્ડ ડ્રિંન્ક પોર્ટફોલિયોમાંથી ૭૦ ટકા પ્રોડકટ આરોગ્ય માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ છે.

જોકે આ પહેલીવાર નથી બની રહ્યું કે Nestle એના ખાદ્ય ઉત્પાદનોને લઇને વિવાદમાં સપડાયું હોય. આ પહેલા વર્ષ ૨૦૧૫માં કંપનીના બહુપ્રસિદ્ઘ ઉત્પાદન Maggiને લઇને ભારે વિવાદ ઉભો થયો હતો. મે ૨૦૧૫માં ઉત્ત્।ર પ્રદેશની ફૂડ સેફ્ટી રેગ્યુલેટર્સે રિપોર્ટ આપ્યો હતો કે બે મિનિટમાં બનતી મેગીમાં મોનોસોડિયમ ગ્લૂટોમેટ (MSG)નું પ્રમાણ વધારે છે. જે પછી ભારતમાં મેગી આરોગ્ય માટે નુકસાનકારક, ખાસ કરીને બાળકોના આરોગ્ય માટે નુકસાનકારક હોવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો અને દેશ વિદેશમાં અનેક તપાસ હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિ એવી પણ આવી પડી હતી કે ભારત સરકારે જૂન ૨૦૧૫માં મેગી નૂડલ્સ પર દેશવ્યાપી પ્રતિબંધ મુકી દીધો હતો.

જોકે કંપની પહેલેથી જ દાવો કરી રહી હતી કે તેની નૂડલ્સ પ્રોડકટ સુરક્ષિત અને ખાવાલાયક છે. પરંતુ ભારતમાં પ્રતિબંધ થયા પછી કંપનીએ આશરે ૩૫૦ કરોડનો માલ પાછો ખેંચ્યો હતો અને એક સિમેન્ટ ફેકટરીને એ સ્ટોક નષ્ટ કરવા માટે ૨૦ કરોડ ચૂકવ્યા હતા. આ માટે કંપની પર ૬૪૦ કરોડ રુપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.

(11:51 am IST)