Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન આર્મીની વાપસી શરૂ :૫૦ ટકા જવાનો પરત ફર્યા

અફઘાનિસ્તાનમાંથી ત્રણસો સી-૧૭ માલવાહક જેટલી સામગ્રી અને ૧૩ હજાર સૈન્ય ઉપકરણ ડિફેન્સ લોજિસ્ટિક એજન્સીને સોંપી દેવાયા

નવી દિલ્હી :અમેરિકન પ્રમુખ જો બાઇડેનના ૧૧ સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકોને પરત બોલાવવાના નિર્ણયનો અમલ અત્યારથી જ શરૃ કરી દેવામાં આવ્યો છે. સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર સેના પરત બોલાવવાની ૩૦ થી ૪૪ ટકા પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

જો બાઇડેને પ્રમુખ બન્યા પછી અફઘાનિસ્તાનમાં છેલ્લા ૨૦ વર્ષથી ચાલતી લડાઇનો અંત લાવવાની જાહેરાત કરી હતી. હવે અમેરિકા પોતાના સૈનિકોને પરત બોલાવી રહ્યું છે.

અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડોએ જણાવ્યું છે કે અત્યાર સુધી અફઘાનિસ્તાનમાંથી ત્રણસો સી-૧૭ માલવાહક જેટલી સામગ્રી અને ૧૩ હજાર સૈન્ય ઉપકરણ ડિફેન્સ લોજિસ્ટિક એજન્સીને સોંપી દેવામાં આવ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧માં અમેરિકામાં હુમલા પછી અફઘાનિસ્તાનમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે અભિયાન શરૃ કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાની સાથે નાટો દેશોની સેનાઓએ પણ ભાગ લીધો હતો. અત્યાર સુધી આ અભિયાનમાં ૨૪૦૦ અમેરિકન સૈનિકોના મોત થયા છે. હાલમાં અમેરિકામાં ૨૫૦૦ સૈનિકો છે.

એક વર્ષ અગાઉ અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતી મુજબ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પરત લેશે.

(12:25 pm IST)