Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બીજી મેડ ઇન ઇન્ડિયા વેક્સિન માટે કેન્દ્રની ડીલ : 30 કરોડ વેક્સિનનો આપ્યો ઓર્ડર

વેક્સિન નિર્માતા બાયોલોજીકલ-ઇને ૧૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ કરાશે

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વેક્સિનના ૩૦ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ માટે હૈદરાબાદ સ્થિત વેક્સિન નિર્માતા બાયોલોજીકલ-ઇને ૧૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ કરાશે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધી વેક્સિનનું નિર્માણ અને સ્ટોર કરવામાં આવશે. ફેઝ ૧ અને ૨ના ક્લિનિકલ ટ્રાયલમાં પોઝિટિવ પરિણામ મળ્યા બાદ બાયોલોજીકલ-ઇની કોવિડ વેક્સિનનું ફેઝ-૩નું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.

બાયોલોજીકલ-ઇ દ્વારા વિકસિત કરાઇ રહેલી વેક્સિન એક આરબીડી પ્રોટીન સબ-યુનિટ વેક્સિન છે. બાયોલોજીકલ-ઇ કોવિડ-૧૯ વેક્સિનને પ્રીક્લિનિકલ સ્ટેજથી લઇને ફેઝ-૩ સ્ટડીઝ સુધી ભારત સરકારે મદદ કરી, જેના માટે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા 100 કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે.

ભારતની દવા નિયામક સંસ્થા એટલે કે ડીજીસીઆઇએ હવે ફાઇઝર અને મોડર્ના જેવી વિદેશી વેક્સિનને વહેલી તકે ભારત લાવવા માટે તેમની અલગથી ટ્રાયલ કરવાની શરતને દૂર કરી છે. જે વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા અમેરિકી એફડીએ દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી હશે, તેને ભારતમાં ટ્રાયલમાંથી પસાર થવું નહીં પડે.

આ અંગે ડીજીસીઆઇના ચીફ વીજી સોમાનીએ નોટિસ જાહેર કરી છે. નોટિસ પ્રમાણે, ભારતમાં વધતી રસીની માંગને જોતાં NEGVACના સૂચનોના આધારે હવે તે વેક્સિનને ભારતમાં ટ્રાયલમાંથી પસાર થવું નહીં પડે, જેને અગાઉથી જ યુએસ એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે

(1:09 pm IST)