Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મોટર-ઓટો હબ હવે બનશે કન્ઝયુમર પ્રોડકટનું હબ

P&G સાણંદમાં ૫૦૦ કરોડનો પ્લાન્ટ સ્થાપશે

વિશ્વની ટોચની કંપની ગુજરાતમાં હેલ્થ-વેલનેસ પ્રોડકટનું નિર્માણ કરશેઃ ખુલશે રોજગારીનો તકો

નવી દિલ્હી, તા.૩: અમેરિકાની મલ્ટિનેશનલ કન્ઝયુમર ગુડ્સ કંપની પ્રોકટર એન્ડ ગેમ્બલ જેને પીએન્ડજી નામથી લોકો વધુ ઓળખે છે તે પોતાની હેલ્થ અને વેલનેસ પ્રોડકટના મેન્યુફેકચરિંગ માટે ગુજરાતમાં રુ. ૫૦૦ કરોડના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ રોકાણ પ્લાન તાજેતરમાં કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો છે.

દુનિયાની સૌથી મોટી જ્પ્ઘ્ઞ્ કંપનીઓમાંથી એક પીએન્ડજીએ પોતાના પ્લાન્ટ માટે ગુજરાતમાં સાણંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કંપનીએ ગુજરાત સરકારે જણાવ્યું છે કે તેઓ આ પ્લાન્ટમાં કંપનીની હેલ્થ અને વેલનેસ પ્રોડકટનું નિર્મણા કરશે. કંપનીએ રાજય સરકારને જણાવ્યું કે તેમની ઈચ્છા પોતાના મહત્વપૂર્ણ કામકાજને ઇન્ડોનેશિયાથી શિફ્ટ કરીને ગુજરાતમાં શરું કરવાની છે અને આ માટે આગામી ૩ વર્ષમાં રાજયમાં તબક્કાવાર રોકાણ કરશે. આ ઉપરાંત પીએન્ડજીએ રાજય સરકારના મુખ્યમંત્રી રાહત કોષમાં પણ રુ. ૫ કરોડનું અનુદાન આપ્યું છે. જેના દ્વારા કોરોના કંટ્રોલ અને વાવાઝોડા રાહત કાર્ય માટે ખર્ચ કરવામાં આવશે.

રાજયના મુખ્યમંત્રીની ઓફિસના એડિશનલ ચીફ સેક્રેટરી અને ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગના ઇન્ચાર્જ એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું કે, 'પીએન્ડજીરાજયમાં પહેલાથી જ કાર્યરત છે અને તેમણે રાજય સરકારનો સંપર્ક કરીને જણાવ્યું કે તેઓ પોતાના હેલ્થ અને વેલનેસ પ્રોડકટના ઉત્પાદન માટે રાજયમાં રુ. ૫૦૦ કરોડનું રોકાણ કરીને પ્લાન્ટ સ્થાપવા માગે છે.' તેમણે આગળ વધુમાં જણાવ્યું કે, 'કંપનીએ સાણંદમાં પોતાના પ્લાન્ટ માટે જગ્યા નિશ્ચિત કરી લીધી છે. કંપનીએ અમને જણાવ્યું કે તે પોતાની જુદી જુદી પ્રોડકટના મેન્યુફેકચરિંગ માટે ગુજરાતના ઇન્ટરનેશનલ હબ બનાવવા માગે છે અને ઇન્ડોનેશિયાથી પોતાના તમામ મહત્વપૂર્ણ કામકાજને ગુજરાત ખસેડવા માગે છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

દાસે વધુમાં જણાવ્યું કે 'મુખ્યમંત્રીએ કંપનીને તમામ પ્રકારની સહાય કરવાની ખાતરી આપી છે. જેને લઈને સદભાવના સ્વરુપે કંપનીએ રાજય સરકારના મુખ્યમંત્રી રાહત કોષમાં રુ. ૫ કરોડનું અનુદાન આપ્યું છે.' દાસે કહ્યું કે 'રાજયમાં પીએન્ડજી દ્વારા પોતાનો વિસ્તાર કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી છબીમાં ખૂબ મોટો સુધારો થશે અને વધુ મજબૂત બનશે.'

અહેવાલ મુજબ કંપનીનો આ પ્લાન્ટ પૂર્ણરુપે કાર્યરત થઈ ગયા બાદ અહીંથી વાર્ષિક રુ. ૧૦૫૦ કરોડનું ટર્નઓવર થશે. આ મેન્યુફેકચરિંગ યુનિટમાં વાર્ષિક ધોરણે ૧૩૦૦૦ ટન કફ ડ્રોપ્સ, ૩૦૦૦ ટન વેપોરબ અને ૩ કરોડ વિકસ ઇન્હેલરના પીસ બનશે. સૂત્રોએ જણાવ્યા મુજબ કંપની પોતાના અપકમિંગ પ્રોજેકટ માટે પોતાના કર્મચારીઓમાં ૩૦ ટકા મહિલાઓ કર્મચારીને રોજગાર આપવા માગે છે.

પીએન્ડજી જુદા જુદા સેગમેન્ટમાં કામ કરે છે. જેમાં બ્યુટી, ગ્રુમિંગ, હેલ્થકેર, ફેબ્રિક અને હોમ કેર અને ફેમિનાઇન અને ફેમિલી કેર સામેલ છે. કંપની દુનિયાના ૧૮૦ દેશોમાં પોતાની પ્રોડકટ વેચે છે.

(3:07 pm IST)