Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઉત્તરપ્રદેશના ઇટાવામાં કોરોના રસીથી વૃદ્ધા ડરી ગયાઃ રસી મુકવા ટીમ આવી તો ડરના માર્યા પીપળા પાછળ સંતાઇ ગયા

ઈટાવા: કોરોનાની રસીને લઈને ગ્રામીણ વિસ્તારોમાં કેવી કેવી અફવાઓ ફેલાઈ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ઉત્તર પ્રદેશના ઈટાવામાં જોવા મળ્યું. ઈટાવાના એક વિસ્તારમાં વૃદ્ધ મહિલા રસીથી એટલી ડરેલી જોવા મળી કે જેવા રસી મૂકવા માટે આવ્યા કે વૃદ્ધ મહિલા ડરના માર્યા પીપડાની પાછળ છૂપાઈ ગયા.

ઈટાવાના એકદિલ વિસ્તારમાં કોરોનાની રસીથી ડરેલા લોકોને રસી પ્રત્યે જાગૃત કરવા માટે સરકાર તરફથી મુહિમ ચાલી રહી છે. જિલ્લા પ્રશાસનની ટીમ હેલ્થ વર્કર્સ સાથે ગામડે ગામડે ફરીને લોકોને રસી માટે પ્રેરિત કરી રહી છે.

જ્યારે જિલ્લા પ્રશાસનની ટીમ વૃદ્ધ મહિલાના ઘરે પહોંચી તો તે એવા ભાગ્યા કે વાત ન પૂછો. ભીડમાંથી કોઈ વ્યક્તિનો અવાજ આવ્યો કે અમ્મા વેક્સીનેશન કરનારા આવ્યા છે, બહાર આવો. આ સાંભળીને મહિલાને લાગ્યું કે હવે તેનું બચવું મુશ્કેલ છે. રસી મૂકનારા તેમને પકડી લેશે. ડરના માર્યા તેઓ ઘરમાં રાખેલા એક પીપડા (ડ્રમ) પાછળ છૂપાઈ ગયા.

હેલ્થ વર્કર્સ વૃદ્ધ મહિલા પાસે આવ્યા, તેમને બહાર લાવ્યા અને ખુબ સમજાવવાની કોશિશ કરી. પરંતુ તેઓ ન માન્યા. હેલ્થ વર્કર્સને આશા છે કે જ્યારે તેઓ ફરીથી અમ્માને સમજાવવા આવશે તો તેઓ જરૂર માની જશે.

અત્રે જણાવવાનું કે કોરોનાની રસીને લઈને ગામે ગામ ઠેર ઠેર અંધવિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકો રસીનો વિરોધ કરી રહ્યા છે. બારાબંકી જિલ્લામાં તો રસી મૂકવા માટે લોકો આવ્યા તો લગભગ ડઝન જેટલા ગ્રામીણો તેમનાથી બચવા માટે સરયૂ નદીમાં કૂદી ગયા. રાયબરેલીના એક ગામમાં હેલ્થવર્કર્સ પહોંચ્યાની જાણ થતા જ 50ની સંખ્યામાં ગ્રામીણો લાકડી ડંડા લઈને તેમનો રસ્તો રોકી ઊભા રહી ગયા.

(4:47 pm IST)