Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વધુ એક ભાગેડુ વિજય માલ્યાની પણ વધતી મુશ્કેલી : 5600 કરોડની જપ્ત સંપત્તિ બેન્કોને સોંપવા આદેશ

મેહુલ ચોકસી બાદ કૌભાંડી લિકર કિંગ વિજય માલ્યાના પણ ખરાબ દિવસો શરૂ : મની લોન્ડરિંગ અટકાયત ધારાની કોર્ટે બે અલગ અલગ આદેશોમાં વિજય માલ્યાની 5600 કરોડની સંપત્તિ બેન્કોમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી : ભાગેડુ મેહુલ ચોકસી બાદ વધુ એક ભાગેડું લિકર કિંગ વિજય માલ્યાના પણ ખરાબ દિવસો શરૂ થવા જઇ રહ્યા છે. PMLA કોર્ટ એટલે મની લોન્ડરિંગ અટકાયત ધારાની કોર્ટે બે અલગ અલગ આદેશોમાં વિજય માલ્યાની 5600 કરોડની સંપત્તિ બેન્કોમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે,

પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટે પહેલાં 24 મેના રોજ માલ્યાની 4,233 કરોડ રૂપિયાની જપ્ત સંપત્તિ બેન્કોને સોંપવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ 1 જૂને બીજો આદેશ જારી કર્યો. જેમાં વિજય માલ્યાની 1,411 કરોડની જપ્ત કરાયેલી પ્રોપર્ટી પણ બેન્કોને આપી દેવાનો હુકમ કર્યો હતો.

બેન્કે બંને આદેશ આપતા પહેલાં વિજય માલ્યાને બેન્કો સાથે છેતરપિંડા કરવાનો દોષિત ઠેરવ્યો. હવે SBIના નેતૃત્વમાં બેન્કોનું કંસોર્શિંયમ માલ્યાની સંપત્તિ જપ્ત કરશે

મની લોન્ડરિંગ કોર્ટના જજ જેસી જગદલે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે બેન્કોએ વિજય માલ્યાની કંપનીને જે લોન આપી હતી. જેનું આજની સ્થિતિમાં ચોક્ક્સ મુલ્યાંકન કરવું મુશ્કેલ છે. છતાં બેન્કોએ જે 6200 કરોડના નુકસાનનો દાવો કર્યો છે, તે પણ કાલ્પનિક નથી. તે માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ માલ્યાની જેટલી સંપત્તિ જપ્ત કરી છે. બેન્કોનું કન્સોર્શિયમ તેની વસુલી કરી શકે છે.

નોંધનીય છે કે SBIના નેતૃત્વમાં 17 બેન્કોના કન્સોર્શિયમે વિજય માલ્યાને 9000 કરોડ રૂપિયાની લોન આપી હતી. જેની ચુકવણી કર્યા વિના જ માલ્યા લંડન ભાગી ગયો. હવે બેન્કો તેની સંપત્તિ વેચી પોતાની લોનની રિકવરી કરશે.

વિજય માલ્યાના વકીલે કહ્યું કે બેન્કોને સોંપવામાં આવનારી સંપત્તિની સંયુક્ત વેલ્યુ ઘણા કરોડોમાં છે. એસબીઆઇના નેતૃત્વમાં 17 બેન્કોના એક કન્સોર્શિયમે ઇડી વતી જપ્ત કરાયેલી માલ્યાની સંપત્તિ તેમને સોંપવાની માંગ કરી હતી. મની લોન્ડરિંગ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂકવાની માલ્યાની અરજી ફગાવી દીધી. હવે બેન્કો આ સંપત્તિ વેચી પોતાની લોનની વસુલી કરી શકશે

(6:49 pm IST)