Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

CBSEની વર્ચ્યુઅલ બેઠકમાં અચાનક પહોંચી પીએમ મોદીએ સૌને ચોંકાવ્યા : વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાતચીત કરી.

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા ખૂબ જ જરૂરી છે. આ બાબતે કોઈ પણ પ્રકારની સમજૂતિ ના કરી શકાય

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ CBSEની વર્ચ્યુઅલ બેઠકમાં અચાનક પહોંચી સૌને ચોંકાવી દીધા. CBSEની પરિક્ષાઓ રદ થયા બાદ વિદ્યાર્થીઓને કેવી રીતે પાસ કરાશે? તે અંગે પ્રશ્નો થઇ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સીબીએસઇ વિદ્યાર્થીઓ સામે બેઠક કરી રહ્યું હતું. ત્યાં પહોંચીને પીએમ મોદીએ બાળકો અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી હતી

  શિક્ષણ મંત્રાલય અને સીબીએસઇના આ કાર્યક્રમમાં વડાપ્રધાનના સામેલ થવા અંગે કોઇને માહિતી નહતી. તેમજ પહેલાંથી તે નક્કી પણ નહતું. છતાં વડાપ્રધાન વીડિયો કોન્ફ્રન્સિંગમાં  પહોંચી જતા બધા ચોંકી ગયા હતા

જો કે તેમણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે શું વાતચીત કરી તે અંગે હજુ કોઇ વિગત જાણવા મળી નથી. પરંતુ ગઇકાલે જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી એક બેઠક બાદ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 12ની બોર્ડ એક્ઝામ રદ્દ કરી દેવામાં આવી.પીએમ મોદીએ કહ્યું હતુ કે, આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણય બાદ સૌ કોઈના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, ધોરણ-12ના પરિણામો ક્યાં આધારે આપવામાં આવશે? આ માચે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા માટે ત્રણ વિકલ્પ હશે. મીડિયા રિપોર્ટ મુજબ, CBSE વિદ્યાર્થીઓ માટે 3 સુત્રી યોજના બનાવવા માટે તૈયાર છે.

સ્કૂલો દ્વારા પહેલા લેવાયેલી છેલ્લી ઈન્ટર્નલ એક્ઝામના એવરેજ માર્કની ગણતરી કરવામાં આવશે. આ સિવાય જે લોકો પાછળથી પરીક્ષા આપવા માંગે છે, તેમને કોરોના સંક્રમણની સ્થિતિ સામાન્ય થયા બાદ તક આપવામાં આવશે. આ એક્ઝામ 3-4 મહિનામાં થવાની આશા છે. જેમાં વૈકલ્પિક, નિબંધાત્મક વગેરે જેવા સબંધિત પ્રશ્નો હશે. જેના માટે 90 મિનિટ આપવામાં આવશે.

CBSEની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય પર વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા ખૂબ જ જરૂરી છે. આ બાબતે કોઈ પણ પ્રકારની સમજૂતિ ના કરી શકાય. આજના સમયમાં આ પ્રકારની પરીક્ષાઓ યોજવી આપણા યુવાનોના જીવનને જોખમમાં નાંખવાનું કારણ ના બનવું જોઈએ

(7:02 pm IST)