Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઈવીએમ સાથે છેડછાડ કરીને ચૂંટણી જીતવાના આરોપ વચ્ચે 5 રાજ્યોની થયેલ ચૂંટણીમાં VPAT ટેલી ડેટા 100 ટકા સાચા

વૉટર વેરિફાએબલ પેપર ઑડિટ ટ્રેલ્સ (VVPAT)નો પ્રયોગ :જાણી શકાય કે, કોઈ મતદાતાએ પોતે જેને મત આપ્યો છે, ખરેખર તે ઉમેદવારને વોટ મળ્યો છે કે કેમ?

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (EVM) સાથે છેડછાડ કરીને ચૂંટણી જીતવાના આરોપ લાગતા રહ્યાં છે. જો કે હજુ સુધી તેના કોઈ પુરાવા સામે આવ્યા નહતી. આવા આરોપો વચ્ચે વૉટર વેરિફાએબલ પેપર ઑડિટ ટ્રેલ્સ (VVPAT)નો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી જાણી શકાય કે, કોઈ મતદાતાએ પોતે જેને મત આપ્યો છે, ખરેખર તે ઉમેદવારને વોટ મળ્યો છે કે કેમ? 

આ તમામ આરોપો વચ્ચે ચૂંટણી પંચના એક અધિકારીએ તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીને લઈને મોટી વાત કહી છે. તેમણે જણાવ્યું કે, 5 રાજ્યોમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં EVM અને VVPAT સ્લીપની મેળવણી 100 ટકા સાચી રહી છે.

ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, EVM ડેટા અને VVPAT વચ્ચે 100 ટકા મેળવણી જોવા મળી છે. જે તેની ચોક્કસાઈ અને પ્રામાણિક્તા સાબિત કરે છે.

5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં EVM અને VVPAT આ બે મશીનોના પરિણામો તેની પ્રામાણિક્તા પહેલાની જેમ જ પુન: સાબિત કરે છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને અસમ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં ચૂંટણી સંપન્ન થઈ છે.

ઉલ્લેખનીય છે કે, EVMને 1989માં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં દેશના તમામ લોકસભા વિસ્તારોમાં VVPATનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે 2014માં VVPATનો ઉપયોગ માત્ર 8 લોકસભા વિસ્તારોમાં જ થયો હતો.

તાજેતરમાં યોજાયેલી વિધાનસબા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 1,492, તમિલનાડુમાં 1,183, કેરળમાં 728, અસમમાં 647 અને પોંડિચેરીમાં 156 VVPAT મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, ચૂંટણી પંચ માટે 2019ની લોકસભા ચૂંટણીમાં દરેક 5 સંસદીય વિસ્તારમાં 5 EVM અને VVPAT સ્લીપોની મેળવણી કરીને ગણતરી કરવાની રહેશે. દેશની સર્વોચ્ચ અદાલતનો આ આદેશ 21 વિપક્ષી પાર્ટીઓ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવ્યા બાદ આવ્યો હતો.

2021ની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો અને EVMની ગણતરી સાથે તમામ VVPATની સ્લીપો મેળવવા માટે કહ્યું હતું. નિયમ મુજબ, VVPATની સ્લીપોની સંખ્યા અને સબંધિત EVMની ગણતરી વચ્ચે વિસંગતતાની સ્થિતિમાં VVPATની ગણતરી જ માન્ય હોય છે

(8:06 pm IST)