Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મુકુલ રૉયની TMCમાં ઘર વાપસીની અટકળો વચ્ચે વડાપ્રધાન મોદીએ ફોન પર વાતચીત કરી

મુકુલ રોયના પત્ની કોલકતાની હોસ્પિટલમાં દાખલ : પીએમએ ફોન કરી ખબર અંતર પૂછ્યા

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ અને પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા મુકુલ રૉય સાથે વાત કરી છે. જેમના પત્ની કોલકત્તાની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. રૉયની પત્ની કૃષ્ણાની અહીં કોરોનાની સારવાર ચાલી રહી છે. એક દિવસ પહેલા જ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ મુકુલ રૉયના TMCમાં ઘરવાપસીની અટકળો થઈ રહી હતી. એવામાં વડાપ્રધાન મોદીના કોલ બાદ રાજકીય અટકળો થઈ રહી છે કે, શું પીએમ મોદીએ રૉયને મનાવવાની કોશિશ કરી છે કે શું?

આ અંગે મુકુલ રૉયના પુત્ર સુભાંશુએ જણાવ્યું કે, PM મોદીએ સવારે 10:30 કલાકે મારા પિતા સાથે વાત કરીને મારી માતાના સ્વસ્થ્ય અંગે ખબરઅંતર પૂછ્યા હતા. એક દિવસ પહેલા અભિષેક બેનરજી પણ મુકુલ રૉયની પત્નીની ખબર કાઢવા પહોંચ્યા હતા. તે 10 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યાં હતા, ત્યાં મુકુલ રૉયના પુત્ર શુભાંશુ પણ હાજર હતા. 2017માં TMC છોડીને ભાજપમાં સામેલ થયેલા મુકુલ રોયના પુત્રએ પણ પિતાની જેમ પક્ષ પલટો કરી નાંખ્યો હતો.

TMCના પૂર્વ ધારાસભ્ય શુભાંશુએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી કહ્યું હતું કે, લોકોના સમર્થનથી સત્તામાં આવેલી સરકારની ટીકા કર્યા પહેલા આત્મ મંથન કરવું જોઈએ. આ પોસ્ટને બંગાળ ભાજપને ઉદ્દેશીને કરવામાં આવી હોવાનું માનવામાં આવ્યું

 

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મુકુલ રૉયે નાદિયા જિલ્લાની કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે નોર્થ-24 પરગણા જિલ્લામાં તેમના પુત્રને બીજાપુર બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

નારદા સ્ટિંગ કેસમાં આરોપી મુકુલ રૉયે સપ્ટેમ્બર 2017માં TMCમાંથી રાજીનામું આપી દીધુ હતું. તાજેતરમાં CBIએ આ કેસમાં TMC નેતાઓની ધરપકડ કરી હતી.

મુકુલ રૉયને TMCએ 6 વર્ષ પહેલા જ સસ્પેન્ડ કરી દીધા હતા. ઑક્ટોબર 2017માં તેમણે રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દીધુ હતુ. આ વર્ષે નવેમ્બરમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. સપ્ટેમ્બર 2020માં તેમને ભાજપના નેશનલ વાઈસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેમનો પુત્ર શુભાંશુ મે-2019માં ભાજપમાં જોડાયો હતો

.

(8:12 pm IST)