Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રામદેવ અને DMA વચ્ચે વિવાદ :કોર્ટનો સમય બરબાદ કરવાને બદલે કોરોનાની સારવાર શોધવા સમય આપો :દિલ્હી હાઇકોર્ટની ટિપ્પણી

હાઇકોર્ટે બાબા રામદેવને સમન જારી કરતા સલાહ આપી કે તેઓ આડેધડ નિવેદનો આપવાથી બચે :આગામી સુનવાણી 13 જુલાઇએ થશે

દિલ્હી હાઇકોર્ટે બાબા રામદેવ અને ડીએમએને સલાહ આપતાતા કહ્યું કે ચર્ચામાં ઉતરવાને બદલે ઇલાજમાં ધ્યાન આપો. દિલ્હી મેડિકલ એસોસિએશને દાખલ કરેલા કેસ મામલે હાઇકોર્ટ રામદેવને નોટિસ આપી જવાબ માંગ્યો છે. સનાવણી દરમિયાન ગરમાગરમ દલીલો થઇ. જેમાં કોર્ટે કહ્યું કે આપ લોકોએ કોર્ટનો સમય બરબાદ કરવાને બદલે મહામારીની સારવાર શોધવામાં સમય વિતાવવો જોઇએ

હાઇકોર્ટે બાબા રામદેવને સમન જારી કરતા સલાહ આપી કે તેઓ આડેધડ નિવેદનો આપવાથી બચે. કોર્ટે રામદેવને કહ્યું. તમે કોરોનિલનો પ્રચાર કરો કોઇ વાંધો નથી. પરંતુ એલોપેથી અંગે આવા નિવેદનો આપવાથી દૂર રહો

દિલ્હી મેડિકલ એસોસિએશને કહ્યું હતુું કે રામદેવ લોકોમાં નિવેદન આપી રહ્યા છે, જેનાથી વિજ્ઞાન અને ડોક્ટરોની છબી ખરડાઇ રહી છે. તે અંગે કોર્ટે રામદેવ પાસે જવાબ માગ્યો છે. ઉપરાંત ટ્વીટર, મીડિયા ચેનલ સહિત ઘણી સોશિયલ મીડિયા સંસ્થાઓ પાસે પણ કોર્ટે જવાબ માગ્યો છે.

દિલ્હી મેડિકલ એસોસિએશનને કોર્ટની ટિપ્પણી ખરાબ લાગી. ડોક્ટરોના સંગઠને કહ્યું કે રામદેવની ટિપ્પણી ડીએમએના સભ્યોને અસર કરી રહી છે. તેઓ ડોક્ટરોના નામ લઇ રહ્યા છે. કહે છે કે આ વિજ્ઞાન (એલોપેથી) નકલી છે. રામદેવ ઝીરો ટકા મૃત્યુદર સાથે કોવિડની સારવાર તરીકે તેમના દવા કોરોનિલનો ખોટો પ્રચાર કરી રહ્યા છે. સરકારે તેમની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છતાં તેમણે 250 કરોડની કોરોનિલ વેચી દીધી. High Court

તેની સામે કોર્ટે કહ્યું કે કાલે અમને લાગશે કે હોમિયોપેથી નકલી છે. આ એક મત છે. તેની સામે ખટલો કઇ રીતે ચાલી શકે? ભલે આપણે માની લઇએ કે તેઓ (રામદેવ) જે કહી રહ્યા છે. તે ખોટું કે ભ્રામક છે. જમહિત માટે કેસ આવી રીતે દાખલ કરી શકાય નહીં. તેના બદલે જનહિત અરજી (પીઆઇએલ) હોવી જોઇએ.

કોર્ટે કહ્યુ કે જો પતંજલિ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે તો તેની સામે સરકાર કાર્યવાહી કરશે. તમે મસાલ લઇને કેમ ચાલી રહ્યા છો. સારુ થશે કે તમે પીઆઇએલ દાખલ કરી શકો છો કે તેમણે પતંજલિએ પહેલાં ઇલાજ કહ્યું પછી ઇમ્યુનિટી બુસ્ટરમાં બદલી નાંખ્યુ. તે દરમિયાન લાખો લોકોએ તેને ખરીદી. કોર્ટે ડીએમએ સામે રામદેવના ભાષણોની વીડિયો ક્લિપ જમા નહીં કરાવવા અને તેના બદલે વેબ લિંક પર ભરોસો કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યો.

આ સાથે કોર્ટે રામદેવને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે વાંધાજનક ભાષણો આપવા કે આવી સામગ્રી પ્રકાશિત કરતા અટકાવાવની ડોક્ટરોના સંગઠનની માગ ફગાવી દીધી. ડીએમએએ રામદેવ પર તેમના નિવેદન માટે એક રૂપિયાનો સાંકેતિક દંડ કરવા અને વિનાશરતી માફી માગવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે કેસ કરવાને બદલે તેમને જનહિત અરજી (PIL)દાખલ કરવાની સલાહ આપી છે.

હવે આ મામલે 13 જુલાઇએ વધુ સુનાવણી થશે. તે પહેલાં કોર્ટે (Ramdev DMA case in High Court)ડીએમએના વાંધાઓ અંગે પુછ્યું, માની લો કે 10,000 લોકોએ કોરોનિલ ખરીદી અને 9,500ના મોત થઇ ગયા. તો તમે મીડિયામાં કહેશો કે કોરોનિલે 95 ટકા લોકોનો ભોગ લીધો. ત્યારે રામદેવ તમારી સામે કેસ દાખલ કરશે? એલોપેથીએ કેટલાક માટે કામ કર્યું, કેટલાક માટે નહીં. આ એક વિચાર છે. તેના પર ડીએેમએ વચગાળાની રાહત માંગી તો કોર્ટે ઇનકાર કરતા કહ્યું કે અમે નોટિસ આપીશું પરંતુ તેમને સંયમ રાખવાનો આદેશ આપી શકીએ નહીં.

નોધનીય છે કે ગત મહિને રામદેવે એલોપેથી પર સવાલ ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં રામદેવ એક કાર્યક્રમમાં કહેતા સંભળાય છે કે લાખો લોકો એલોપેથી દવાઓને કારણે માર્યા ગયા. જે મરનારાની સરખામણીમાં ઘણા વધારે છે. કારણ કે તેમને સારવાર કે ઓક્સિજન ન મળ્યું. રામદેવે એલોપેથીને મૂર્ખ અને નાદાર વિજ્ઞાન પણ ગણાવ્યું હતું.

(11:53 pm IST)