Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કર્ણાટકમાં કોરોનાનો કહેર યથાવત : 14 જૂન સુધી લૉકડાઉન લંબાવાયું

લૉકડાઉનના પ્રતિબંધો 14 જૂન સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.

બેંગલુરુ: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં લૉકડાઉન 14 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ગુરુવારે જાહેરાત કરતા જણાવ્યું કે, આ લૉકડાઉનના પ્રતિબંધો 14 જૂન સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.

અગાઉ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, ગામડાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે. આથી લોકડાઉનમાં છૂટ આપવા અંગે સમજીવિચારીને નિર્ણય લેવાની જરૂરત છે.

બીજી તરફ રાજ્યની કોવિડ ટેક્નિકલ એડવાઈઝરી કમિટીએ સરકારને એક રિપોર્ટમાં કહ્યું હતું કે, પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે આવે અને પ્રતિદજિન કેસોની સંખ્યા 5 હજારની નીચે આવવાની સ્થિતિ થાય પછી જ પ્રતિબંધો હટાવવા યોગ્ય રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર હાલના સમયે કોરોનાથી દેશના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંથી એક છે. કર્ણાટકમાં તો હાલના સમયે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2.92 લાખની આપસપાસ છે. આજ રીતે તમિલનાડુમાં પણ 2.88 લાખ અને મહારાષ્ટ્રમાં 2.18 લાખ જેટલા કોરોનાના એક્ટિવ કેસો છે.

કર્ણાટકમાં અત્યાર સુધી 26,35,122 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યાં છે. જ્યારે લગભગ 30 હજાર લોકોએ કોરોનાનાક ારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(11:56 pm IST)