Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઉજ્જૈન મહાકાલ મંદિરના પ્રાંગણમાં ખોદકામ દરમિયાન 2100 વર્ષ જુના અવશેષો મળ્યા

અવશેષોને નિષ્ણાંતો દ્વારા તપાસ્યા બાદ રિપોર્ટ કરાશે :11મી અને 12મી સદીમાં બનેલા મંદિરના અવશેષો વર્તમાન મંદિર પરિસરની નીચે દબાયેલા

ઉજ્જૈન મહાકાલ મંદિરના પ્રાંગણમાં ખોદકામ દરમિયાન આશરે 2100 વર્ષ જુના અવશેષો મળી આવ્યા છે. જ્યારે સંસ્કૃતિ મંત્રાલયને આ વાતની જાણ થઈ ત્યારે પુરાતત્ત્વીયની ટીમ ભોપાલથી ઉજ્જૈન પહોંચી અને ત્યાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે, મંદિરમાં મળી આવેલા અવશેષોને નિષ્ણાંતો દ્વારા તપાસ્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરીને સંસ્કૃતિ મંત્રાલયને સુપરત કરવામાં આવશે.

પુરાતત્ત્વીય વિભાગની ટીમનું નેતૃત્વ કરનાર અધિકારી ડો.રમેશ યાદવે કહ્યું કે, 11મી અને 12મી સદીમાં બનેલા મંદિરના અવશેષો વર્તમાન મંદિર પરિસરની નીચે દબાયેલા છે, જે ઉત્તર ભાગમાં છે. તેમણે કહ્યું કે, દક્ષિણ તરફ 4 મીટર નીચે એક દિવાલ મળી આવી છે જે લગભગ 2100 વર્ષ જુની હોઈ શકે છે.

આ પહેલી વાર નથી જ્યારે મહાકાલ મંદિરમાં જૂના અવશેષો મળી આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર 2020માં પણ હજારો વર્ષ જૂની શિલાલેખો મળી આવી હતી. આ પછી અહીં સતત ખોદકામનું કામ કરવામાં આવી રહ્યું છે. અહીં ખોદકામ દરમિયાન સોમવારે માતાની પ્રતિમા મળી છે.

સંસ્કૃતિ મંત્રાલયના આદેશ પર ભોપાલ પુરાતત્ત્વ નિયામક, આર્કાઇવ્સ અને મ્યુઝિયમના ચાર સભ્યો ડો.રમેશ યાદવ (પુરાતત્વીય અધિકારી), ડો.ધુવેન્દ્રસિંહ જોધા (સંશોધન સહાયક), યોગેશ પાલ (સુપરવાઇઝર) અને ડો.રાજેશ કુમારે મંદિરમાં બુધવારે નિરીક્ષણ કર્યું.

ડો.રમેશ યાદવે દાવો કર્યો હતો કે, ખોદકામ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ થવું જરૂરી છે. મોટા અવશેષો પણ અહીં મળી શકે છે. જોકે, રિપોર્ટ મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવશે. આગામી દિવસમાં કામનું રેકોર્ડિંગ કરવામાં આવશે

(12:14 am IST)