Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મહારાષ્ટ્રમાં અનલૉકના એલાન બાદ સરકારે ફેરવી તોળ્યું :કહ્યું ‘હાલ કયાંક આ અંગે કોઈ નિર્ણય નહીં

રાજ્યમાં હજુ પણ કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાયું નથી. આથી પ્રતિબંધોમાં છૂટ આપવાનો કોઈ નિર્ણય નહીં

મુંબઈ: મહારાષ્ટ્રમાં લૉકડાઉન હટાવવાને લઈને ગુરુવારે અસમજસની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વિજય વડેટ્ટીવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે હાઈલેવલ બેઠક બાદ મીડિયામાં રાજ્યમાં અનલૉક થવાની વાત કહી હતી. વડેટ્ટીવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રને 5 તબક્કામાં અનલૉક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ નિવેદનના 4 કલાક બાદ જ સરકારે યુ-ટર્ન લઈ લીધો છે. CMO તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલ રાજ્યમાં ક્યાંય અનલૉકનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

હકીકતમાં વડેટ્ટીવાર જે બેઠકમાં હાજર રહ્યાં હતા, તેમાં અનલૉકને લઈને ચર્ચા થઈ હતી અને તબક્કાવાર રાજ્યમાંથી પ્રતિબંધો હટાવવાનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યના જે જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને 25 ટકાથી ઓછા ઓક્સિજન બેડ ઓક્યૂપેન્સી છે, ત્યાં સંપૂર્ણ અનલૉકની મંજૂરી આપવામાં આવી છે.

આ અનલૉક પ્રોસેસ અંતર્ગત રેસ્ટોરન્ટ, મૉલ, ગાર્ડન, થિયેટર, ફિલ્મોની શૂટિંગને મંજૂરી આપવામાં આવશે. જે શહેર લેવલ-1માં આવી રહ્યાં છે, ત્યાં અનલૉક કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે

 

અનલૉકના લેવલ 1માં રાજ્યના 18 જિલ્લાઓને સામેલ કરવામાં આવ્યાં છે. જેમાં ઔરંગાબાદ, ભંડારા, બુલઢાણા, ચંદનાપુર, ધૂલે, ગોંદિયા, જાલના, લાતૂર, નાગપુર, નાંદેડ, નાસિક, પરભણી, ઠાણે, વર્ધા, વાશીમ અને યવતમાલ સામેલ છે. અનલૉક શરૂ કરવા માટે દર શુક્રવારે કલેક્ટર પોત-પોતાના જિલ્લાની સમીક્ષા કરશે. જે બાદ આગળની છૂટ તબક્કાવાર આપવામાં આવશે.

CMOએ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રાજ્યમાં હજુ પણ કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાયું નથી. આથી સરકારે પ્રતિબંધોમાં છૂટ આપવાનો કોઈ નિર્ણય લીધો નથી. રાજ્યના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્ય સરકારે ગત સપ્તાહે કહ્યું હતું કે, આ વર્ષે એપ્રિલના મહિનામાં લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધો 15 જૂન સુધી અમલી રહેશે.

બીજી તરફ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા વડેટ્ટીવારે કહ્યું કે, લૉકડાઉનના પ્રતિબંધોમાં હાલ છૂટ નથી આપવામાં આવી રહી. આ મામલે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી જ કરશે.

(1:00 am IST)