Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મુખ્યમંત્રીનો આદેશ માન્યો :પીએમની બેઠકમાં ગેરહાજર રહેવા મામલે બંગાળના પૂર્વ મુખ્ય સચિવે આપ્યો જવાબ

મુખ્યમંત્રી મમતા બેનરજીના આદેશ પર વાવાઝોડા યાસથી પ્રભાવિત દીઘાની સમીક્ષા માટે વડાપ્રધાનની બેઠકમાં સામેલ નહતા થયા; અલપન બંદોપાધ્યાય

કોલકત્તા: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે કેન્દ્રની કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે તાજેતરમાં જ અલપનને ત્યારે નોટિસ ફટકારી હતી, જ્યારે તેઓ “યાસ” વાવાઝોડાથી થયેલા નુક્સાનની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળ પહોંચેલા વડાપ્રધાન મોદીની બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા.

સચિવાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, બંદોપાધ્યાયે પોતાના જવાબમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી મમતા બેનરજીના આદેશ પર તેઓ વાવાઝોડા યાસથી પ્રભાવિત દીઘાની સમીક્ષા માટે વડાપ્રધાનની બેઠકમાં સામેલ નહતા થયા.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31મીં મેના રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની સખ્ત જોગવાઈ અંતર્ગત બંદોપાધ્યાયને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. જેમાં વર્ષ સુધી જેલની સજાની જોગવાઈની વાત કહેવામાં આવી છે.

કેન્દ્ર અને મમતા બેનરજીની રાજ્ય સરકાર વચ્ચેની ખેંચતાણ વચ્ચે આ નોટિસ ફટકારવામાં આવી હતી. બંદોપાધ્યાય 31મીં મેના રોજ મુખ્ય સચિવ તરીકે નિવૃત થવાના હતા, પરંતુ કોરોના મહામારી દરમિયાન તેમની મહત્વની ભૂમિકાને જોતા રાજ્ય સરકારે તાજેતરમાં જ તેમના કાર્યકાળને 3 મહિના માટે લંબાવ્યો હતો. જો કે વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી અને બંદોપાધ્યાય સામેલ ના થતાં વિવાદ વકર્યો હતો અને કેન્દ્ર સરકારે બંદોપાધ્યાયને ટ્રાન્સફરનો આદેશ આપ્યો હતો.

બીજી તરફ વિવાદ શરૂ થયા બાદ 31મીં મેના રોજ અલાપન બંદોપાધ્યાય મુખ્ય સચિવ પદેથી નિવૃત થઈ ગયા હતા અને મમતા બેનરજીએ તેમની પોતાના મુખ્ય સલાહકાર તરીકે વરણી કરી હતી

(1:02 am IST)