Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગરમીએ અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાંખ્યો

વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકામાં પડી રેકોર્ડ ગરમી

ગત વર્ષે આ વિસ્તારમાં ગરમીનો પાર ૧૮.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો

ન્યૂયોર્ક,તા.૩: વિશ્વના સૌથી ઠંડા સ્થાનોમાં સામેલ એન્ટાર્કટિકામાં પણ આકરી ગરમીએ અત્યાર સુધી તમામ રેકોર્ડ તોડી દીધા છે. યુનાઈટેડ નેશન્સે પણ હવે માની લીધું છે કે એન્ટાર્કટિકામાં ગરમીનો પારો ગત વર્ષે ૧૮.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છે કે ૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ એન્ટાર્કટિકામાં સ્થિત આજર્િેન્ટનાના ઈસ્પેરંજા સ્ટેશન પર તાપમાન ૧૮.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.

ઓર્ગેનાઈઝેશનના મહાસચિવ પેટ્ટારી તાલ્સે કહ્યું હતું કે આ રેકોર્ડ તાપમાનની જાહેરાત કરવી જરૂરી હતી કેમ કે ત્યાંના વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ અંગે એક વ્યાપક સમજ ઊભી કરવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે, એન્ટાર્કટિકાનો વિસ્તાર ધરતી પર સૌથી ઝડપથી ગરમ થતા વિસ્તારોમાં સામેલ છે. અહીં પારો ૫૦ વર્ષમાં ૩ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયો છે.

યુનાઈટેડ નેશન્સની સંસ્થાએ બ્રાઝિલના તે દાવાને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સેયમોઉર ટાપુ પાસેનું તાપમાન ૨૦.૭૫ રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ પહેલા એન્ટાર્કટિકામાં સૌથી વધુ તાપમાન ૨૦૧૫માં નોંધવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વધતી ગરમીના સંકેત બાદ યુનાઈટેડ નેશન્સની સંસ્થાએ સમગ્ર વિસ્તારમાં હવામાનની સ્થિતિની તપાસ શરૂ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે હવાના ઊંચા દબાણનું ક્ષેત્ર બન્યું છે જેનાથી ગરમી વધી રહી છે.

અગાઉ નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરે ચેતવણી આપી હતી કે એન્ટાર્કટિકા ધરતીના અન્ય ભાગોની તુલનામાં વધારે ઝડપથી ગરમ થઈ રહ્યો છે. એન્ટાર્કટિકામાં બરફના રૂપમાં એટલું પાણી જમા છે કે તે પીગળી જાય વિશ્વભરના દરિયાની સપાટી ૨૦૦ ફૂટ સુધી વધી શકે છે. ૧૮૮૦ બાદ દરિયાની સપાટીમાં સરેરાશ ૯ ઈંચનો વધારો થયો છે. તેમાંથી એક તૃત્યાંશ પાણી ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો બરફ ઓગળવાથી થયો છે.

(10:00 am IST)