Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ફ્રાન્સમાં રફાલ સોદાની તપાસ શરૂ થતા કોંગ્રેસે કરી JPCની માંગ : રાહુલ ગાંધીએ પણ ફરી નિશાન સાધ્યું

ફ્રેન્ચ વેબસાઇટ 'મીડિયાપાર્ટે' રિલાયન્સ-ડસોલ્ટ ડીલનાં તમામ પુરાવા જાહેર કરી દીધા: સુરજેવાલાનું ટ્વીટ

નવી દિલ્હી : રફાલ ફાઇટર પ્લેન ડીલને લઈને શનિવારે કોંગ્રેસે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ફ્રાન્સમાં રાફેલ ડીલની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફ્રાન્સ દ્વારા ન્યાયિક તપાસ શરૂ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ રાફેલ ડીલની જેપીસી (JPC) તપાસની માંગ કરી છે. કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, કરીને કહ્યું કે ફ્રેન્ચ વેબસાઇટ 'મીડિયાપાર્ટે' રિલાયન્સ-ડસોલ્ટ ડીલનાં તમામ પુરાવા જાહેર કરી દીધા છે. મોદી સરકાર અને રાફેલ ડીલ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. શું હવે વડા પ્રધાન  મોદી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની તપાસની મંજૂરી આપશે?

કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'ચોરની દાઢી ...' આ સાથે જ તેમણે હેશટેગ રફાલ કૌભાંડ ચલાવ્યું છે.

જો કે રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાફેલ ડીલમાં કૌંભાંડ થયું છે. આ કેસની તપાસ બાદ રાફેલ ડીલની સત્યતા બહાર આવી છે. રફાલ ડીલમાં લાંચ આપવામાં આવી છે. કોંગ્રેસે ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદના નિવેદનને ટાંકીને જણાવ્યું કે, અનિલ અંબાણીની કંપનીને સોદામાં ભાગીદાર બનાવવાનો નિર્ણય ભારત સરકારનો છે.

ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટે જણાવ્યું છે કે ફ્રેન્ચ તપાસ એજન્સી રાફેલ ડીલમાં "કથિત લાંચ" અંગે સતત શંકાઓ દૂર કરવા માંગે છે. જો કે, દસોલ્ટે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે રાફેલ ડીલમાં કોઈ ગેરરીતિ થઈ નથી. ભારતની મોદી સરકારે પણ આ સોદામાં કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારનો સતત ઇન્કાર કર્યો છે, પરંતુ હવે કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર શરૂ કર્યા છે.

(11:46 pm IST)