Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

GST..મોનિટરિંગ એજન્સી નીમવા ઠાગાઠૈયા

પોર્ટલ અંગેની ફરિયાદનું નિરાકરણ થાય તો જ વેપારીઓની સમસ્યા દૂર થઇ શકે : પોર્ટલની સમસ્યા નહીં ઉકેલવા તટસ્થ એજન્સી નીમવા થયેલી અનેક રજુઆતોનું પરિણામ શૂન્ય

નવી દિલ્હી,તા. ૩: જીએસટીના અમલને ચાર વર્ષનો સમય વીતવા છતાં હજુ સુધી પોર્ટલની સમસ્યા દૂર કરવા માટે તટસ્થ મોનિટરિંગ એજન્સી જ નીમવામાં આવી નથી. તેના લીધે પોર્ટલની સમસ્યાનું કાયમી સમાધાન જ કરવામાં નહીં આવતા વેપારીઓની પરેશાની દૂર જ થતી નથી. જોકે, તટસ્થ મોનિટરિંગ એજન્સી નીમવા માટે વખતોવખત સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનો અમલ કરવાની જાહેરાત ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ કરી હતી. તેમજ તેનું પોટંલ યોગ્ય રીતે કાર્યરત રહે તે માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે. જોકે, જીએસટી લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં પોર્ટલની સમસ્યાને કારણે છેલ્લા દિવસોમાં રિટર્ન ભરવામાં કેટલીક વખત સમસ્યા સર્જાતી હોય છે. આ ઉપરાંત સર્વર ડાઉન થઇ જવાની પણ સમસ્યા સતાવતી હોય છે. હાલમાં જ રિફંડને લગતા ફોર્મ જ ડાઉનલોડ થતા નથી. જેથી દર મહિને એક નવી સમસ્યા વેપારીઓને માથે આવીને ઊભી રહેતી હોય છે. જોકે, આ માટે સીવન્સ સેલ, હેલ્પ ડેસ્ક તો બનાવ્યું છે, પરંતુ તેમાં પણ સમયસર જવાબ મળતા નથી અને નિરાકરણ પણ લાવવામાં આવતું  નથી. તેના બદલે તટસ્થ મોનિટરિંગ એજન્સી હોય તો આવી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સરકારમાં તેનો રિપોર્ટ કરે અને સરકાર દ્વારા ખાનગી એજન્સી સામે કાર્યવાહી પણ કરી શકે. આ માટે કેન્દ્ર સરકારમાં વખતોવખત રજૂઆત પણ કરવામાં આવી છે.

  • તટસ્થ એજન્સીની જરૂરિયાત શા માટે?

વેપારી દ્વારા પો્ટલને લગતી ખામીની ફરિયાદ ગ્રીવન્સ સેલ કે હૈલ્પ ડેસ્ક પર કરતો હોય છે. જોકે તેનું મોનિટરિંગ પણ એજન્સીના જ માણસો કરતા હોય છે. જયારે તટસ્થ મોનિટરિંગ એજન્સી હોય તો કરદાતા દ્વારા કેટલી ફરિયાદ કરવામાં આવી, તે કરિયાદનું નિરાકરણ થયું કે નહીં વખતોવખત ફરિયાદ આવે છે તેનું નિરાકરણ કેમ કરવામાં આવતું નથી, તેવી તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં જણાવતા હોય છે. જેથી સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે ખાનગી એજન્સી સામે કાર્યવાહી કરી શકતી હોય છે, પરંતુ આવી સિસ્ટમ જ નહીં હોવાના લીધે વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે.

  • વિદેશોમાં પણ એજન્સી નીમવામાં આવી

દેશમાં તો ચાર વર્ષ પહેલાં જીએસટીનો અમલ કરવામાં આવ્યો છે, જયારે તેની પહેલા વિદેશમાં જીએસટીનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ વિદેશમાં તો જીએસટીના અટપટા કાયદા જ નહીં હોવાના લીધે લોકો પરેશાન પણ થઇ રહ્યા નથી. આ ઉપરાંત વિદેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો તે પહેલા જ મોનિટરિંગ માટે તટસ્થ એજન્સીની પહેલા નિમણુક કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો છે. જયારે દેશમાં તટસ્થ મોનિટરિંગ એજન્સીના અભાવે કરદાતાઓએ દંડ ભરવાની નોબત આવીને ઊભી રહેતી હોય છે. જેથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જ વેપારીઓના હિતમાં છે.

(10:33 am IST)