Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વાજડી પાસે ગોઝારો અકસ્માત : ત્રણના મોત

એસટી બસ સાથે અથડાતા કારનો બૂકડોઃ રાજકોટ હોમિયોપેથી તબિબી કોલેજના ત્રણ છાત્રોના મોતઃ બે છાત્ર ગંભીર

કાર ખિરસરાથી રાજકોટ તરફ આવતી હતીઃ અચાનક કાબૂ ગુમાવતાં ડિવાઇડર ઠેકી રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી બસ સાથે અથડાઇ : એસટી બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજાઃ મક્કમ ચોકમાં આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરી પરત આવતાં હતાં ત્યારે બનાવઃ મૃતકો રાજકોટની ફોરમ ધ્રાંગધરીયા તથા આદર્શ તથા નિશાંત દાવડાનો સમાવેશ

રાજકોટ-કાલાવડ હાઈવે ઉપર મેટોડા નજીકના વડવાજડી ગામ પાસે રાજકોટ-કાલાવડ-રણુજા રૂટની એસટી બસ અને હોન્ડા અમેજ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યકિતને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડેલ છે. ઉપરોકત તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર અને એસટી બસ તથા મૃતકો અને ઈજાગ્રસ્તો તથા ઘટના સ્થળે લોકોના ટોળા તથા જેસીબીની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરવામાં આવ્યા હતા તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા, ભીખુપરી ગોસાઈ-ખીરસરા)(૨-૧૯)

અકસ્માતમાં બસમાં બેઠેલા કાલાવડના યુસુફઅલી સાદીકોટ અને જીવુબેન બેચરભાઇને ઇજા થઇ હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: કાલાવડ રોડ પર બાલાજી વેફર્સ નજીક વાજડી પાસે બપોરે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખિરસરાથી રાજકોટ તરફ આવી રહેલી કાર રોડ ડિવાઇડર ઠેંકી રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી એસટી બસ સાથે અથડાયા બાદ બૂકડો બોલી જતાં કારમાં બેઠેલા રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના બે છાત્ર, એક છાત્રાના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે બે છાત્રાને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. આ છાત્રો ખીરસરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરીને રાજકોટ  તરફ હોન્ડા અમેઝ કારમાં આવી રહ્યા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ મક્કમ ચોકમાં આવેલી રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના છાત્રો આજે લોધીકાના ખિરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત કરવા કારમાં બેસીને ગયા હતાં. ત્યાંથી બપોરે પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે બાલાજી વેફર્સ નજીક વાજડી પાસે અચાનક કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો.

કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતાં. ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે. આ બંને સારવાર હેઠળ છે.

જ્યારે એસટી બસમાં બેઠેલા કાલાવડ ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ (ઉ.૪૫) તથા જીવુબેન બેચરભાઇ (ઉ.૭૫)ને ઇજા થતાં તેમને પણ રાજકોટ દાખલ કરાયા હતાં.

વધુ માહિતી મુજબ અકસ્માતમાં કાળનો કોળીયો બનેલી ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ.૨૨) કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણી એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવને પગલે અકસ્માતે સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. બસમાં કાર ફસાઇ ગઇ હોઇ ક્રેઇનથી છુટી પાડવી પડી હતી. બે યુવાનના મૃતદેહ પણ અંદર ફસાઇ ગયા હતાં જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતાં. પીએસઆઇ કે. કે. જાડેજા સહિતના કાફલાએ પહોંચી ઘાયલોને ત્વરીત હોસ્પિટલે ખસેડવા પ્રબંધ કર્યો હતો અને બીજી કાર્યવાહી આદરી હતી.

(3:19 pm IST)