Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કોરોનાની બીજી લહેર હજુ પૂરી નથી થઈ :8 રાજ્યોમાં સ્થિતિ નાજૂક: 18 જિલ્લામાં કેસ વધ્યા : આરોગ્ય મંત્રાલયની ચેતવણી

દેશના 44 જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ 10 ટકાથી વધુ : કેરળના 10 જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં 40.6 ટકા કોરોનાના નવા કેસ સામે આવ્યા

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે મંગળવારે ચેતવણી ઉચ્ચારી છે કે, દેશના 18 જિલ્લાઓમાં કોરોનાના કેસમાં છેલ્લા એક મહિનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ એવા 18 જિલ્લાઓ છે કે જ્યા કોરોનાના કુલ કેસના 47.5 ટકા કેસ નોંધાયા છે. કેરળના 10 જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં 40.6 ટકા કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, 10 મેના રોજ દેશમાં 37 લાખ કોરોનાના પોઝીટીવ કેસ હતા જે ઘટીને હવે 4 લાખ થયા છે. એક રાજ્ય એવુ છે કે, જ્યા એક લાખથી વધુ પોઝીટીવ કેસ છે. અને આઠ રાજ્ય એવા છે કે જ્યા 10,000થી લઈને એક લાખ સુધીના કેસ છે. દેશના 27 રાજ્યો એવા છે કે, જ્યા 10,000થી ઓછા કેસ છે. તેમણે કહ્યું કે, 1 જૂનના રોજ 279 જિલ્લાઓ એવા હતા કે, જ્યા 100થી વધુ કેસ સામે આવી રહ્યાં હતા. પરંતુ હવે એવા જિલ્લાઓની સંખ્યા ઘટીને 57 થઈ ગઈ છે. 222 જિલ્લામાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી છે.

લવ અગ્રવાલે કહ્યુ કે, દેશના 44 જિલ્લાઓ એવા છે જ્યા કોરોનાના કેસ 10 ટકાથી વધુ છે. આ જિલ્લાઓ કેરળ, મણિપૂર, મિઝોરમ અને નાગાલેન્ડના છે. વિશ્વભરમાં કોરોનાના નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. મહામારી હજૂ દૂર નથી થઈ. જ્યા સુધી ભારતને લાગે છે ત્યા સુધી કોરોનાની બીજી લહેર સમાપ્ત નથી થઈ. રિપ્રોડકશન (R) નંબરને પણ ગણીને કેસનો ગ્રોથ રેટ અને સક્રીય કેસની સંખ્યા નક્કી કરવામાં આવે છે. આ કોરોનાની પીક દરમિયાન એક સંક્રમિત વ્યક્તિ દ્વારા થનારા નવા સંક્રમણની સરેરાસ સંખ્યા છે.

 

તેમણે એમ પણ કહ્યુ કે, જ્યારે પણ રિપ્રોડકશન (R) નંબર ઉપર હોય ત્યારે તેનો અર્થ એ થાય કે સંક્રમણ વધી રહ્યું છે. તેને નિયંત્રણમાં લેવાની જરૂર છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં સરેરાશ રિપ્રોડકશન નંબર 1.2 છે. એનો મતલબ એવો કરી શકાય કે એક સંક્રમિત વ્યક્તિ એક કરતા વધુ લોકોને સંક્રમીત કરી રહ્યો છે. ભારતના 8 રાજ્યોમાં આ R ફેકટર વધુ છે.

દેશના જે આઠ રાજ્યોમાં રિપ્રોડકશન નંબર વધી રહ્યાં છે તેમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મિર, લક્ષ્‍યદ્વિપ, તામિલનાડુ, મિઝોરમ, કર્ણાટક, પુડ્ડુચેરી અને કેરળનો સમાવેશ થાય છે. જ્યારે સાત રાજ્યોમાં રિપ્રોડકશન નંબર સ્થિર છે. જેમાં નાગાલેન્ડ, મેઘાલય, હરિયાણા, ગોવા, ઝારખંડ, દિલ્લી અને તેની આસપાસના વિસ્તાર તેમજ પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ સિવાય આન્ધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ રિપ્રોડકશન નંબર ઓછા થઈ રહ્યાં છે.

(8:36 pm IST)