Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ટ્રેનમાં ચડ્ડી-બનિયાનમાં ફરવા લાગ્યા ધારાસભ્ય

યાત્રા દરમ્યાન યાત્રીઓ સાથે ગેરવર્તનનો પણ લાગ્યો આરોપ : એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં MLA અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનમાં આંટા-ફેરા કરી રહ્યા છે

પટણા,તા. ૩: ભાગલપુરના ગોપાલપુરના જેડીયુ ધારાસભ્ય ગોપાલ મંડલ જેઓ તેમના નિવેદનો માટે ચર્ચાઓમાં છે. આ વખતે તેમની હરકતોને કારણેથી ચર્ચામાં આવ્યા છે. તેની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનમાં આંટા-ફેરા કરી રહ્યા છે. તે મુસાફરો સાથે અભદ્ર વર્તન અને મારપીટના આરોપોનો પણ સામનો કરી રહ્યા છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.

મળતી માહિતી મુજબ જેડીયુના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર ઉર્ફે ગોપાલ મંડલ ગુરૂવારે રાત્રે પટના-નવી દિલ્હી તેજસ રાજધાની એકસપ્રેસનાએ -૧ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન જયારે પટનાથી ટ્રેન ઉપડી ત્યારે બધું બરાબર હતું. ટ્રેન કોઈલવર પાર કર્યા બાદ ધારાસભ્યએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું.

ટ્રેનમાં મહિલાઓ પણ હતી. ટ્રેનમાં એક જ કોચમાં મુસાફરી કરતા મુસાફર પ્રહલાદ પાસવાને કહ્યું કે જયારે તેનો વિરોધ કરવામાં આવ્યો કે ટ્રેનમાં મહિલાઓ પણ છે અને તમે જન પ્રતિનિધિ છો અને તમે આમ ન કરી શકો, તો તે ગોળી મારી દેવાની અને જોઈ લેવાની વાત કરવા લાગ્યા હતા.

આ દરમિયાન ગોપાલ મંડલે લોકો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પ્રવાસીએ કહ્યું કે જેડીયુના ધારાસભ્ય સાથે વધુ ત્રણ લોકો હતા. કોઈએ તેમને સમજાવ્યા નહીં. જયારે મુસાફરો સાથે ઝઘડો થયો ત્યારે જેડીયુ ધારાસભ્ય સાથે આવેલા લોકોએ પાછળથી ગોપાલ મંડલને મનાવવાનું શરૂ કર્યું. સ્થળ પર પહોંચેલા TTE એ બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. GRP ઈન્સ્પેકટર અશોક કુમાર દુબે અને RPF ઈન્સ્પેકટર સંજીવ કુમારે જણાવ્યું કે બંને તરફથી કોઈએ કોઈ ફરિયાદ કરી નથી.

આ અંગે આરજેડીના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે કહ્યું કે જો નીતીશ કુમાર આ ઘટના જોઈ રહ્યા છે તો તેમને તાત્કાલિક પાર્ટીમાંથી બહાર કરી દેવા જોઈએ. નીતિશ કુમારે તેમના રાજીનામાની માગણી કરવી જોઈએ. આ સાથે જ જયારે જેડીયુના પ્રવકતા અભિષેક ઝા સાથે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો. હાલમાં, જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

(10:25 am IST)