Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સિધ્ધાર્થ શુકલાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ મુંબઇ પોલીસને સોંપાયો : ડોકટર્સે મોતનું સાચુ કારણ જણાવ્યું નહી

શરીર પર ઇજાના નિશાન મળ્યા નહિ : ફોરેન્સિક રીપોર્ટ ૨૦ દિવસ પછી આવશે

મુંબઇ તા. ૩ : અભિનેતા સિદ્ઘાર્થ શુકલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કૂપર હોસ્પિટલ દ્વારા મુંબઈ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મુંબઈ પોલીસ સત્તાવાર રીતે જાહેર કરશે કે ૪૦ વર્ષીય અભિનેતાના મૃત્યુ પાછળનું સાચું કારણ શું હતું. ઓશિવારા પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રિપોર્ટમાં સિદ્ઘાર્થના શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી.

આ રિપોર્ટ પર ૫ તબીબોની સહીઓ છે. કૂપર હોસ્પિટલના ત્રણ નિષ્ણાત ડોકટરોએ તેમનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને ત્રણેયે તેમના અંતિમ રિપોર્ટમાં મૃત્યુના કારણનો ઉલ્લેખ કર્યો નથી. આ જ કારણ છે કે મુંબઈ પોલીસ સિદ્ઘાર્થના વિસેરાને ફોરેન્સિક તપાસ માટે કાલિના ફોરેન્સિક લેબમાં મોકલવા જઈ રહી છે. અહીંથી હિસ્ટોપેથોલોજીકલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે કે અન્ય કોઈ કારણથી થયું છે. તેમાં ૨૦ થી ૨૫ દિવસ લાગી શકે છે. મુંબઈ પોલીસ તરફથી માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે અમે ઉતાવળમાં કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચવા માંગતા નથી. અમે હજુ પણ કેમિકલ અને એનાલિસિસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.

(3:14 pm IST)