Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મારૂતિ સુઝુકીની પોણા બે લાખથી વધુ કાર રીકોલ કરાશેઃ ખામી હોવાનું માલૂમ પડયું

મેન્યુફેકચરીંગ ડીફેકટ હોવાનું બહાર આવ્યુઃ નવેમ્બર ૨૦૨૧થી કારની મરમ્મત શરૂ થશે

નવી દિલ્હી, તા. ૩ :. મારૂતિ સુઝુકીના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. કંપનીએ આજે જાહેરાત કરી છે કે કેટલીક ગાડીઓમાં સેફટી સંબંધીત ખામી હોવાની આશંકાને કારણે ૧.૮ લાખ કાર રીકોલ એટલે કે પરત લઈ લેવામાં આવશે. કંપની આ ખામીવાળી કારની તપાસ કરશે.

કંપનીએ કહ્યુ છે કે, અમે સીયાઝ, અર્ટીકા, બ્રીઝા, એસક્રોસ અને એકસએલ-૬ મોડેલની કુલ ૧૮૧૭૫૪ ગાડીઓને પરત લઈ લેશું. આ ગાડી ૪-૫-૨૦૧૮ અને ૨૭ ઓકટોબર ૨૦૨૦ દરમિયાન નિર્માણ પામી હશે તે રીકોલ કરવામાં આવશે.

કંપનીએ જણાવ્યુ છે કે, જે ગાડીઓને પરત લેવામાં આવી છે જેમા કેટલીક ખામીઓ જોવા મળી છે. તેમા મેન્યુફેકચરીંગ ડીફેકટ હોય શકે છે. કંપની આ ગાડીઓના મોટર જનરેટર યુનિટની તપાસ કરશે અને ખામી મળશે તો વિનામૂલ્યે બદલી આપશે.

કંપનીએ કહ્યુ છે કે ગ્રાહકોના હિતમાં અમે પહેલ કરી રીકોલનો નિર્ણય લીધો છે. મારૂતિના સત્તાવાર વર્કશોપથી ગાડીઓના માલિકોને આ અંગેની સૂચના અપાશે. જો કોઈ ગાડીના ભાગમાં ખરાબી મળશે તો નવેમ્બર ૨૦૨૧ના પ્રથમ સપ્તાહથી તેને ઠીકઠાક કરવાનું કામ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે પાણી ભરેલુ હોય તેમા ગાડી ન લઈ જવી અને જે ભાગ ઈલેકટ્રોનીક હોય ત્યાં પાણીનો મારો ન કરવો.

(4:06 pm IST)