Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દિલ્હી વિધાનસભાની સુરંગ લોકો માટે ખુલ્લી મૂકાશે

દિલ્હી વિધાનસભામાં મળેલી સુરંગનો ઈતિહાસ સ્પષ્ટ નથી : આગામી ૨૬ જાન્યુઆરી અથવા ૧૫ ઓગસ્ટ પહેલા આને એક સ્વરૂપ આપીને સામાન્ય જનતા માટે ખોલાશે

નવી દિલ્હી, તા.૩ : દિલ્હી વિધાનસભાની અંદર મળેલી સુરંગને લઈને મોટી જાણકારી સામે આવી છે. લાલકિલ્લા સુધી જનારી આ સુરંગને હવે સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે.

 દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આ સુરંગની સાથે-સાથે ફાંસી ઘરને પણ સામાન્ય જનતા માટે ખોલવાની તૈયારી છે.

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યુ કે આ સુરંગના ઈતિહાસને લઈને સ્પષ્ટતા નથી. જોકે આ સુરંગને અંગ્રેજોએ જ બનાવી હશે અને આનો ઉપયોગ પણ તેમના દ્વારા કરવામાં આવતો હશે.

દિલ્હી વિધાનસભાની અંદર બનેલી સુરંગ અને ફાંસી ઘરને સામાન્ય લોકો માટે ખોલવાની તૈયારી છે. વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ અનુસાર પર્યટન વિભાગને શનિવારે અને રવિવારે વિધાનસભામાં લોકોને લાવવાની અનુમતિ આપવામાં આવે, આ હિસાબથી તેઓ વિધાનસભાનુ માળખુ તૈયાર કરી રહ્યા છે.

વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે જણાવ્યુ, ૭૫મી વર્ષગાંઠમાં આગામી ૨૬ જાન્યુઆરી અથવા ૧૫ ઓગસ્ટ પહેલા આને એક સ્વરૂપ આપીને સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે.

ગોયલે કહ્યું કે, તેના ઇતિહાસ અંગે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ બ્રિટિશરોએ સ્વતંત્રતા સેનાનીઓને સ્થાનાંતરિત કરતી વખતે બદલાથી બચવા માટે તેનો ઉપયોગ કર્યો હતો.

વિધાનસભામાં મળેલી સુરંગનો ઉપયોગ આઝાદીની લડતમાં ક્રાંતિકારીઓને ફાંસી સુધી પહોંચાડવા માટે કરાતો હતો. સુરંગની લંબાઈ લગભગ સાત કિલોમીટર જણાવાઈ છે. આ સુરંગ એટલા માટે વધારે મહત્વપૂર્ણ છે કેમ કે કેટલાય ક્રાંતિકારી આ સુરંગથી લાવવામાં આવ્યા અને દિલ્હી વિધાનસભામાં બનેલા ફાંસી ઘરમાં હસતા-હસતા વિદાય લીધી.

દિલ્હી વિધાનસભા વિશે પ્રમાણ મળે છે કે દિલ્હી, દેશની રાજધાની બન્યા બાદ ૧૯૧૧થી આ ઈમારતને સેન્ટ્રલ લેજેસ્લેટિવ એસેમ્બલી એટલે કે અંગ્રેજોએ આ ઈમારતનો પોતાના સંસદ ભવન તરીકે ઉપયોગ કર્યો.

(9:25 pm IST)