Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ટાટા ગ્રુપની કુલ માર્કેટ કેપ વધીને 22 લાખ કરોડ રૂપિયા થઈ

ટાટા ગ્રુપના ઘણા શેરમાં અનેકગણો વધારો : ટાટા ટેલિ સર્વિસીસના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 360 ટકાનો બમ્પર ઉછાળો: ટાટા ગ્રુપના સાત શેરે આ વર્ષે 100 ટકાથી વધારે તેજી નોંધાવી

મુંબઈ : શેરબજારમાં ઉછાળાથી ટાટા ગ્રુપના શેરને પણ ફાયદો થયો અને ટાટા ગ્રુપની કુલ માર્કેટ કેપ વધીને 22 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. વર્ષ 2021માં ટાટા ગ્રુપના ઘણા શેરમાં અનેકગણો વધારો નોંધાયો છે. ટાટા ટેલિ સર્વિસીસના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 360 ટકાનો બમ્પર ઉછાળો નોંધાયો છે.

એક પ્રતિષ્ઠીત મીડિયાના રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપના સાત શેરે આ વર્ષે 100 ટકાથી વધારે તેજી નોંધાવી છે. ટાટા ટેલિ સર્વિસમાં 364 ટકા, નેલ્કોમાં 188 ટકા, ટાટા એલેક્સીમાં 169 ટકા, ટાટા સ્ટીલ બીએસએલમાં 134 ટકા, ટાટા સ્ટીલમાં 121 ટકા, ઓટોમોટિવ સ્ટેમ્પિંગ અને એસેમ્બલિંગમાં 110 ટકા, ટાટા કોફીમાં 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

આ સિવાય ટાટા કેમિકલ્સના શેરમાં 77 ટકા, ટાટા પાવરના શેરમાં 77 ટકા, ટાટા મેટાલિકના શેરમાં 72 ટકા, ટાટા મોટર્સના શેરમાં 60 ટકા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરમાં 48 ટકા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના શેરમાં 34 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષે ટાટા ગ્રુપની એકમાત્ર કંપની રેલીસ ઈન્ડિયાએ (Rallis India) અડધા ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.

ટાટા ગ્રુપની સ્થાપના જમશેદજી ટાટાએ 1868માં કરી હતી. આ જૂથ હેઠળ 30 કંપનીઓ આવેલી છે, જે 10 ક્લસ્ટરમાં ફેલાયેલી છે. તેનો વ્યવસાય 6 ખંડોના 100 દેશોમાં ફેલાયેલો છે. ટાટા સન્સ ટાટા ગ્રુપના મુખ્ય પ્રમોટર અને મુખ્ય રોકાણકાર છે. ટાટા સન્સમાં 66 ટકા હિસ્સેદારી ટાટા ટ્રસ્ટની છે, જે શિક્ષણ, આરોગ્ય, કલા, સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. ટાટા ગ્રુપમાં 7.5 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. ટાટા ગ્રુપની 17 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એકલ ધોરણે દેશની બીજી સૌથી મોટી કંપની છે. જ્યારે રિલાયન્સ પ્રથમ નંબરે છે. આજે રિલાયન્સનો શેર 2,400ની નજીક બંધ થયો, જેના કારણે તેનું માર્કેટ કેપ 15.40 લાખ કરોડ સુધી પહોંચી ગયું. TCSનો શેર આજે 3,842 રૂપિયાના સ્તર પર બંધ થયો. 3,859એ તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. TCSનું માર્કેટ કેપ આજે 14.21 લાખ કરોડ રૂપિયા છે.

(12:45 am IST)