Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કોરોનાઃ હોમ ડેકોરેશનની ચીજ વસ્તુઓની ખરીદીમાં ૫૦%નો ઘટાડો

દિવાળી નજીક આવતાં બજારોમાં ધીમે-ધીમે ખરીદીનો માહોલ જામ્યો

મુંબઇ,તા.૩ : દિવાળીને હાલ ગણતરીના દિવસો બાકી છે, તેવામાં બજારોમાં હોમ ડેકોરેશનની ચીજવસ્તુઓની ખરીદીનો માહોલ મંદ ગતિએ જામી રહ્યો છે. લોકો કોરોનાના હાઉ સાથે પણ હવે ધીમે-ધીમે ઘરની બહાર નીકળી રહ્યાં છે. પરંતુ વેપારીઓના જણાવ્યાં મુજબ કોરોનાને કારણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે હોમ ડેકોરેશનની ચીજ-વસ્તુઓના વેંચાણમાં ૫૦ થી ૭૦ ટકાનો ઘટાડો જોવા મળ્યોછે.

જો કે, દિવાળી નજીક આવતાં બજારોમાં ખરીદદારોની ભીડ જામશે અને દિવાળીનો તહેવાર સારો જ જશે તેવો આશાવાદ લાઈટિંગ, આર્ટિફિશિયલ ફલાવર્સ, ટેબલ કવર્સ સહિતની હોમ  ડોકોરેશનની ચીજ-વસ્તુઓના વેપારીઓ સેવી રહ્યાં છે.

હવે લોકો કોરોનાના હાઉમાંથી ધીમે-ધીમે બહાર આવી રહયા છે

લોકોમાંથી કોરોનાનો ડર નીકળ્યો હોય તેવુ લાગી રહું છે. કારણ કે ટેબલ કલોથ, કુશન કવર, ફિઝ કવર એ બધું તો દિવાળીમાં જ સૌથી વધુ ખરીદાય છે. છેલ્લાં બે- ત્રણ દિવસથી માર્કેટમાં લોકોની ભીડ જોઈને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ખરીદીનો માહોલ જામશે. કારણ કે, અમારો વ્યવસાય વાર- તહેવારો પર જ વધુ નિર્ભર હોય છે.

સ્વાતિ પુરોહિત, વેપારી.

આર્ટિફિશિયલ બોન્સાઈ, મોતીના તોરણો સહિત વસ્તુઓની માંગ

કોરોનાને કારણે અમારો ધંધામાં ખોટ તો ગઈ જ છે. પરંતુ લોકો દિવાળીની ખરીદી માટે બહાર નીકળી રહ્યાં છે. છેલ્લા ૭ મહિનાથી લોકો દરેક તહેવારો કોરોનાના હાઉમાં ઉજવી રહ્યા હતા. પરંતુ દિવાળીની ઉજવણી લોકો સારી રીતે કરશે તેવું લાગી રહ્યુ છે. હાલ આર્ટિફિશિયલ હોમ ડેકોરેશનની ચીજ-વસ્તુઓમાં લોકો ગામઠી, જોધપુરી વર્કના તોરણો, ગોટાના તોરણો, મોતીના તોરણો તેમજ આર્ટિફિશિયલ બોન્સાઈ વધુ ખરીદી રહ્યાં છે.

જય ઠાકોર, વેપારી

ઈદે મિલાદ સારી ગઈ છે, એટલે દિવાળી પણ સારી જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

હું ૩૫ વર્ષથી હોમ ડેકોરેશનની ચીજ- વસ્તુઓનો વ્યવસાય કરૂ છું. નવરાત્રીની સિઝન અમારી ટોટલી ફેઈલ ગઈ હતી. પરંતુ ઈદે મિલાદ પર સારી એવી ઘરાકી જોવા મળી હતી. હવે તો ધીમે-ધીમે લોકો ખરીદી કરવા ઘરની બહાર નીકળી રહ્યા છે. જો કે ગત વર્ષની તુલનામાં માર્કેટ ૪૦ ટકા જેટલું ડાઉન તો છે જ. લોકોનંુ બજેટ આ વર્ષે ઘણું ઓછું છે. જે કોરોનાને કારણે તદ્દન સ્વાભાવિક છે. જો કે, આગામી દિવસોમાં ખરીદીનો માહોલ પૂરજોશમાં જામશે તેવો આશાવાદ અમે સેવી રહ્યા છે.

નરેશ કહાર, વેપારી.

આ વર્ષની દિવાળીમાં માલની મૂળી મળી રહે તે પણ ઘણું

અમારા ધંધાની મેઈન સિઝન નવરાત્રી છે. જે ફેઈલ ગઇ છે. જેમાં વિવિધ મટિરિયલના કંદીલ અને તોરણો વધુ વેચાય છે. જયારે દિવાળીમાં તો લોકો રેગ્યુલર ખરીદી જ કરે છે. દર વર્ષે શ્રાધ્ધ પક્ષથી બજારોમાં ખરીદીનો માહોલ જામી જાય છે. પરંતુ હાલ દિવાળી નજદીક છે. છતા માર્કેટ તદ્દન ઠંડુગાર છે. આ વર્ષે નફો તો દુર પરંતુ જે માલ દુકાનમાં ભર્યો છે, તેની મુડી પણ નીકળી જાય તો પણ ભગવાનનો આભાર રહેશે. કારણ કે, એક પરિવારના ચાર સભ્યો ખરીદી માટે આવે છે. તેથી માર્કેટમાં નામ માત્રની ભીડ દેખાય છે. પરંતુ સામે ખરીદદારી એટલી થતી નથી.

ધ્રુવ હાટડિયા, વેપારી.

દર વર્ષે દીવડાં અને પોટ્સમાં અનેક વેરાયટીઓ હોય છે, આ વર્ષે નવો માલ જ નથી ભર્યો

છેલ્લી ચાર પેઢીથી અમે હોમ ડેકોરેશન અને હેન્ડી ક્રાફટની ચીજ-વરતુઓનો વ્યવસાય  કરીએ છે. આટલાં વર્ષોમાં આવો મંદીનો માહોલ પ્રથમ વાર જોયો છે. દર વર્ષે અમે દિવડા, તોરણો, લડીઓ, આર્ટિસ્ટીક પોટ્સ વગેરેમાં અનેકવિધ વેરાયટી મૂકીએ છે. પરંતુ  આ વર્ષે તો અમે નવો માલ ભર્યો જ નથી  કારણ કે  નવરાત્રીમાં પણ અમને ભારે ખોટ ગઈ છે અને દિવાળીમાં પણ કોઇ ખાસ ફેરફાર વર્તાય તેવું લાગી રહ્યું નથી. કારણ કે ગત વર્ષની તુલનામાં અમારો ધંધો ૬૦ ટકા ડાઉન છે.

ભરત પ્રજાપતિ, વેપારી

(11:38 am IST)