Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

૨૪ કલાકમાં ૩૮,૩૧૦ નવા કેસઃ ૪૯૦નાં મોત

ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૮૨.૬૭ લાખને પારઃ કુલ મૃત્યુઆંક ૧,૨૩,૦૯૭એ પહોંચ્યો

નવી દિલ્હી, તા.૩: મંગળવારે જાહેર થયેલા આંકડાઓથી મોટી રાહતના સંકેત મળી રહ્યા છે. કોરોના સંક્રમિત લોકોનો આંક ૪૦ હજારથી નીચે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૩૧૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૨,૬૭,૬૨૩ થઈ ગઈ છે

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૬ લાખ ૩ હજાર ૧૨૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૫,૪૧,૪૦૫ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૩,૦૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૧,૧૭,૮૯,૩૫૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૧૦,૪૬,૨૪૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે

 ગુજરાતમાં ૨ નવેમ્બરે કોરોના વાયરસના ૮૭૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૦૦૪ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૪ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંક ૧,૭૪, ૬૭૯ એ પહોંચી ગયો છે.

(11:45 am IST)