Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સેનેટાઇઝરથી મોબાઇલને સાફ કરતા હો તો થઇ જાવ સાવધાનઃ ફોન થઇ શકે છે ડેમેજ

નવી દિલ્હી તા. ૩: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકોને સાબુથી વારંવાર હાથ ધોવાની સલાહ અપાય છે. સંક્રમિત થઇ જવાના ભયથી લોકો ઘરેથી બહાર નીકળતી વખતે સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરે છે. એવા પણ ઘણાં લોકો છે જે પોતાના મોબાઇલને પણ વાયરસ મુકત કરવા માટે સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે પણ આપને જણાવી દઇએ કે આમ કરવાથી   મોબાઇલને   નુકસાન થઇ શકે છે.

કેટલાક લોકો ફોનને સાફ કરવા માટે એન્ટી બેકટેરીયલ વેટ-વાઇપ્સનો ઉપયોગ કરે છે પણ કેટલાક લોકો હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરતા હોય છે. આલ્કોહોલ યુકત સેનેટાઇઝરને ફોન પર ઘસીને સાફ કરે છે પણ તેનાથી આપનો ફોન ખરાબ થઇ શકે છે. વધારે પડતા સેનેટાઇઝીંગથી આપના ફોનનો સ્ક્રીન, હેડફોફન જેક અને સ્પીકરને પણ નુકસાન પહોંચી શકે છે.

કોરોના પછી રીપેરીંગ માટે આવતા મોટા ભાગના ફોન એવા હોય છે, જેને સેનેટાઇઝરથી સાફ કરાયા હોય. રિપેરીંગ સેન્ટરમાં એક મીકેનીક કહે છે કે ઘણાં લોકો મોબાઇલને એવી રીતે સાફ કરે છે કે સેનેટાઇઝર હેડફોન જેકમાં જતું રહે છે. ફોનમાં શોર્ટ સર્કીટ થવાનું પણ જોખમ રહે છે. ફોનને સેનેટાઇઝરથી સાફ કરવાથી તમારા ફોનનો રંગ બદલાઇ શકે છે. આલ્કોહોલ યુકત સેનેટાઇઝર ફોનના ડીસ્પ્લે અને કેમેરાના લેન્સને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી ડીસ્પ્લેનો રંગ પીળો થઇ શકે છે. એટલે ફોનને હંમેશા સેનેટાઇઝરમાં પલાળેલા રૂ થી સાફ કરો. આ ઉપરાંત તમે મેડીકેટેડ વાઇપનો પણ ઉપયોગ કરી શકો છો.

(2:59 pm IST)