Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ચીને નેપાળની ૧૫૦ હેક્ટર જમીન પર કબજો કરી લીધો

ચીનના ખોળામાં બેઠેલા નેપાળને મોટો આંચકો : નેપાળી જમીન પર કબજા માટે ચીન દ્વારા સરહદ ઉપર પોતાની સેના પીએલએને તૈનાત કરવાનું શરૂ કરી દેવાયું

કાઠમંડુ, તા. ૩ ; ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ડ્રેગને નેપાળની ૧૫૦ હેક્ટર જમીન પર કબજો કરી લીધો છે. ચીને ૫ મોરચા પર આ વર્ષે મે મહિનામાં નેપાળની જમીન પર કબજો કરવાનું શરૂ કર્યું. નેપાળના નેતાઓએ જણાવ્યું કે નેપાળી જમીન પર કબજા માટે ચીને સરહદ પર પોતાની સેના પીએલએને તૈનાત કરવાનું શરૂ કરી દીધું હતુ. બ્રિટનના સમાચાર પત્ર ધ ડેલી ટેલીગ્રાફ સાથે વાતચીતમાં નેપાળી નેતાઓએ જણાવ્યું કે નેપાળના ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં ચીની સેનાએ લિમી ખીણ અને હિલ્સાને પાર કરી પથ્થરથી બનેલા પિલ્લર્સ હટાવી દીધા. આ પિલ્લર ઉખાડીને તેને નેપાળી વિસ્તારમાં ખસેડ્યા. ત્યારબાદ હવે ચીની સેના આ વિસ્તારમાં સૈન્ય ઠેકાણા બનાવી રહી છે. સમાચાર પત્રએ જણાવ્યું કે, તેણે ચીની સેનાના ઠેકાણાની તસવીરો જોઇ છે.

પીએલએના સૈનિકોએ કથિત રીતે ગોરખા જિલ્લામાં પણ સરહદના પિલ્લરને નેપાળના વિસ્તારમાં વધારે અંદર ધકેલી દીધા છે. આ જ રીતે નેપાળના રસુઆ, સિંધુપાલચોક અને સંકુવાસભા જિલ્લામાં પણ ચીની સેનાએ નેપાળની જમીન પર કબજો કર્યો છે. આ ખેલને અંજામ આપવાથી પહેલા ચીનના એન્જિનિયરોએ તિબેટમાં નદીઓની ધારાને બદલી દીધી જે નેપાળ અને ચીનની વચ્ચે પ્રાકૃતિક સરહદનું કામ કરતી હતી. નેપાળી કૉંગ્રેસના એક સાંસદ જીવન બહાદુર શાહીએ કહ્યું કે, "ચીન કેમ નેપાળમાં આવવા ઇચ્છે છે,

જ્યારે તેની પાસે આપણા નાનકડા દેશ કરતા ૬૦ ગણી વધારે જમીન છે?" ના તો નેપાળ અને ના ચીને આ પ્રશ્ન પર કોઈ જવાબ આપ્યો છે. નેપાળના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ઓલી સરકાર પોતાના સૌથી મોટા વેપાર ભાગીદાર અને ક્ષેત્રીય સહયોગી ચીનના ગુસ્સે થવાના ડરથી આ સંપૂર્ણ મામલે મૌન રાખીને બેઠી છે. ચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્યકાળમાં આક્રમક વિદેશ નીતિ અપનાવી રાખી છે અને નેપાળમાં પણ તેમના ડ્રીમ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રૉડ અંતર્ગત કામ થવાનું છે. ચીનના સૈનિકોએ સૌથી પહેલા નેપાળની જમીન પર ૨૦૦૯માં કબજો કરવાનું શરૂ કર્યું હતુ અને પશુઓ માટે હૉસ્પિટલ બનાવી હતી, જ્યારે શાહીએ આના પર વાંધો ઉઠાવ્યો તો તેમને નેપાળી સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આ હૉસ્પિટલથી યાક અને બકરીઓને ફાયદો થશે.

(10:01 pm IST)