Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પેટ ભરવા નવ વર્ષની પુત્રીને ૫૫ વર્ષના શખ્સને વેચી દીધી

તાલિબાનની સત્તા બાદ અફઘાનથી દર્દનાક સમાચારો : અબ્દુલ પાસે પોતાના પરિવારના ભરણ-પોષણ માટે પૈસા નહોતા બચ્યા જેથી તેણે પોતાની દીકરીનો સોદો કર્યો

નવી દિલ્હી, તા.૩ : તાલિબાની હુકૂમતના આગમન બાદ અફઘાનિસ્તાનથી સતત દર્દનાક સમાચારો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક અફઘાની પિતાએ પોતાના પરિવારનું પેટ ભરવા માટે અને તેમને જીવતા રાખવા માટે પોતાની ૯ વર્ષની દીકરીને વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે. તે બાળકીને એક ૫૫ વર્ષીય શખ્સના હાથમાં સોંપવામાં આવી હતી.

અબ્દુલ મલિકે ગત મહિને પોતાની ૯ વર્ષીય દીકરી પરવાના મલિકને ૫૫ વર્ષીય શખ્સના હાથમાં વેચી દીધી હતી. અબ્દુલ પાસે પોતાના પરિવારના ભરણ-પોષણ માટે પૈસા નહોતા બચ્યા જેથી તેણે પોતાની દીકરીનો સોદો કર્યો હતો. અબ્દુલ મલિકના પરિવારમાં ૮ લોકો છે અને સૌ રાહત શિબિરમાં રહીને જીવન વિતાવી રહ્યા છે.

પરિવારનું પેટ ભરવા માટે અગાઉ તેમણે પોતાની ૧૨ વર્ષીય દીકરીને પણ વેચી દીધી હતી અને ખાવાના સાંસા પડતા હવે પોતાની બીજી દીકરીનો પણ સોદો કરવો પડ્યો. આ અફઘાની પિતાને પોતાની દીકરી બાળ વધૂ તરીકે ૫૫ વર્ષીય શખ્સને વેચવા મજબૂર કરવામાં આવ્યો હતો જેથી તે પોતાના પરિવાર માટે ભોજન ખરીદી શકે. અબ્દુલ મલિકે હૈયાફાટ રૂદન કરતા કહ્યું હતું કે, 'આ હવે તમારી (કોરબાન) દુલ્હન છે, મહેરબાની કરીને તેની સંભાળ લેજો, હવે તે તમારી જવાબદારી છે, તેને મારતા નહીં.' પરવાનાના પરિવારજનોના કહેવા પ્રમાણે તેમના પાસે અન્ય કોઈ જ રસ્તો નહોતો બચ્યો. તેઓ એવા બેસહારા પરિવારમાંથી છે જેમને જીવીત રહેવા માટે પોતાની યુવાન દીકરીઓ વેચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં એવા અનેક પરિવાર છે જે પોતાની બાળકીઓને વેચવા મજબૂર બન્યા છે. ઈન્ટરવ્યુ દરમિયાન પરવાનાએ કહ્યું કે, મારા પિતાએ મને વેચી દીધી છે કારણ કે, અમારા પાસે રોટી, ચોખા કે લોટ નથી. તેમણે મને એક વૃદ્ધ વ્યક્તિને વેચી દીધી છે. તેના પિતાએ જણાવ્યું કે, તે પોતાની દીકરીને વેચવાના અપરાધબોજને લઈ સાવ ભાંગી ગયો છે અને રાતે ઉંઘી પણ નથી શકતો.

(7:58 pm IST)