Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ભારતીય કફ સિરપથી બાળકોમાં કિડનીને નુકસાન હોવાની પુષ્ટિ નથી: ગામ્બિયાનું સત્તાવાર નિવેદન

મેઇડન ફાર્માએ પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે ધ ગામ્બિયાએ હજુ સુધી બાળકોના મૃત્યુનું કારણ શું હતું તેની પુષ્ટિ કરી નથી

નવી દિલ્હી :  WHO દ્વારા મેઇડન ફાર્મા કંપનીના ત્રણ કફ સિરપ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એવો દાવો કરાયો હતો કે આ જ કંપનીના કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા હતા. જોકે, હવે ગામ્બિયાની મેડિસિન્સ કંટ્રોલ એજન્સીએ કહ્યું છે કે ભારતીય કફ સિરપથી બાળકોમાં કિડનીને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ નથી. મેઇડન ફાર્માએ પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે ધ ગામ્બિયાએ હજુ સુધી બાળકોના મૃત્યુનું કારણ શું હતું તેની પુષ્ટિ કરી નથી.

મેઇડન ફાર્માએ ઘણી બધી બાબતો જણાવી છે. કંપનીએ કહ્યું કે તે સ્થાનિક બજારમાં કંઈપણ વેચી રહી નથી. આ સિવાય તે તેનો કાચો માલ પ્રમાણિત અને પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી જ ખરીદે છે. કંપનીએ કહ્યું કે સીડીએસસીઓના અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને પરીક્ષણ માટે દવાઓના નમૂના એકત્ર કર્યા હતા. કંપની તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે.

WHOના એલર્ટ બાદ હરિયાણા સરકારે પણ સોનીપત સ્થિત મેઇડન ફાર્મા સામે કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં કંપનીના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તપાસ દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કેટલીક ગેરરીતિઓ મળી આવી હતી. તે જ સમયે, હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે કહ્યું હતું કે ત્રણ દવાઓના નમૂનાઓ જેના માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તે કોલકાતા મોકલવામાં આવ્યા છે. કંપનીને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી છે.

(11:49 pm IST)