Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સેન્સેક્સમાં ૬૯ અને નિફ્ટીમાં ૩૦ પોઈન્ટનો ઘટાડો જોવાયો

ભારતીય શેર બજાર ફ્લેટ બંધ રહ્યા : શેર બજારને આજે ફિન સર્વિસ એફએમસીજી રિયાલિટી મીડિયા અને બેન્કિંગ શેરોએ ટેકો આપ્યો

મુંબઈ, તા.૩ : શેર બજાર બંધ ભારતીય બજાર આજે સપાટ બંધ રહ્યું છે. બજારને આજે ફિન સર્વિસ એફએમસીજી રિયાલિટી મીડિયા અને બેક્નિંગ શેરોએ ટેકો આપ્યો હતો. ટોપ ગેનર્સની યાદીમાં એસબીઆઈ, ટીટન, યુપીએલ અને એરટેલના નામ સામેલ હતા. ગુરુવારે ભારતીય બજારો લગભગ સપાટ બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ ૬૯ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકા ઘટીને ૬૦,૮૩૬ પર અને એનએસઈ નિફ્ટી ૩૦ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૧૮,૦૫૨ પર બંધ થયો હતો.

એનએસઈ પર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે ૯૧૨ શેર્સ ઉછાળા સાથે બંધ થયા છે અને ૧૦૬૧ શેર ડાઉન છે. આજે બજારને જાહેર ક્ષેત્રની બેક્નો, ફિન સર્વિસ, એફએમસીજી, રિયાલિટી, મીડિયા અને ખાનગી બેક્ન શેરોનો ટેકો હતો.

એસબીઆઈ, ટાઈટન, યુપીએલ, એચયુએલ, ભારતી એરટેલ, બજાજ ઓટો, ઈન્ડસીન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ડૉ.રેડ્ડીસ લેબ, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા, એચડીએફસી લાઈફ, આઈસીઆસીઆ બેંક અને રિલાયન્સે આજે એનએસઈ પેકમાં બજારને ટેકો આપ્યો હતો, જ્યારે ટેક મહિન્દ્રા, હિન્દાલ્કો. , પાવર ગ્રીડ, એનટીપીસી, ઇન્ફોસિસ અને આઇશર મોટર્સ ઘટનારાઓમાં હતા. એશિયન બજારોમાં સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગના બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. તેની સાથે યુરોપિયન બજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તે જ સમયે, ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત બાદ બુધવારે યુએસ શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં ૦.૭૫ ટકાનો વધારો કર્યો છે.

ગુરુવારે ડોલર સામે રૃપિયો ૧૦ ઘટીને ૮૨.૯૦ પર બંધ થયો હતો. યુએસમાં વ્યાજ દરમાં વધારા બાદ રૃપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ અનુસાર, રૃપિયો ડોલર સામે ૮૨.૮૭ પર ખૂલ્યો હતો અને દિવસ દરમિયાન ૮૨.૭૪ની ઊંચી અને ૮૨.૯૨ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ડૉલરની મજબૂતાઈ દર્શાવતો ડૉલર ઈન્ડેક્સ પણ વધીને ૧૧૨.૮૯ ના સ્તર પર પહોંચી ગયો છે.

(7:34 pm IST)