Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મારૂતિ, ઓડી અને મર્સિડીઝ જાન્યુઆરીથી ભાવવધારો કરશે

મર્સિડીઝ ૨ ટકા સુધીનો અને ઓડી ૩ ટકા સુધીનો ભાવ વધારો જાહેર કરશે : કોમોડિટીના ભાવમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધતા ભાવ વધારવા જરૂરી બની ગયું

નવી દિલ્હી,તા. ૩ : દેશની સૌથી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે તે જાન્યુઆરીથી તેના વાહનોના ભાવમાં વધારો કરશે. ઉત્પાદન ખર્ચ ખાસ્સો વધી ગયો હોવાથી તે ભાવમાં વધારો કરશે. મારૂતિ ઉપરાંત લકઝુરી કાર ઉત્પાદક કંપનીઓ મર્સિડિઝ-બેન્ઝ અને ઓડીએ પણ ભાવવધારો કરવાની જાહેરાત કરી દીધી છે.

મારૂતિએ કહ્યુ હતુ કે વિવિધ મોડેલ અનુસાર અલગ અલગ ભાવવધારો લાગુ પડશે. કેટલો ભાવવધારો થશે તેનો તેણે ફોડ પાડ્યો ન હતો.

કંપનીએ કહ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં વિવિધ ઇનપુટ ખર્ચ વધતા કંપનીના વાહનોનો ખર્ચ વધી ગયો છે. આથી આ પૈકી કેટલોક ભાવવધારાનો બોજ ગ્રાહકો પર નાખવો જરૂરી બન્યો છે. મારૂતિએ અગાઉ ચાલુ કેલેન્ડર વર્ષમાં ત્રણ વાર ભાવવધારો કર્યો છે. જાન્યુઆરી ૨૦૨૧માં ૧.૪ ટકા, એપ્રિલમાં ૧.૬ ટકા અને સપ્ટેમ્બરમાં ૧.૯ ટકાનો વધારો તેણે કર્યો હતો. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન તેણે કુલ ૪.૯ ટકાનો ભાવ વધારો કર્યો હતો.

બીજી તરફ મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ કહ્યુ છે કે તે જાન્યુઆરીથી તેેના પસંદગીના કેટલાક મોડેલ પર ૨ ટકા સુધીનો ભાવવધારો કરશે. ઓડીએ પણ કહ્યુ છે કે તે જાન્યુઆરીથી તેના તમામ મોડેલ પર ૩ ટકા સુધીનો ભાવવધારો કરશે. આ બન્ને કંપનીઓએ પણ રો -મટીરિયલના ભાવમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનું કારણ આપ્યુ હતું.

મારૂતિના શશાંક શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, પ્લાસ્ટિક વગેરેના ભાવમાં નોંધપાત્ર ભાવવધારો થઇ ગયો છે. તેને કારણે કંપનીનો ઉત્પાદન ખર્ચ ખાસ્સો વધી ગયો છે. કાર ઉત્પાદકોના કુલ ખર્ચ પૈકી ૮૦ ટકા જેવો ખર્ચ આ કોમોડિટી આધારીત હોય છે. આથી નાછૂટકે ભાવવધારો કરવો પડી રહ્યો છે.

(10:14 am IST)