Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન ઓછો જોખમી

કોરોનના નવા વેરિયન્ટને લઈને રાહતના સમાચાર : અત્યાર સુધીમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનથી જેટલા પણ કેસ મળ્યા તેમાંથી કોઈ પણ ગંભીર રીતે બીમાર નહતા

નવી દિલ્હી તા.૩ : કોરોના વાયરસના નવા વેરિએન્ટને લઈને એક રાહતના સમાચાર છે. એક્સપર્ટ્સ કહે છે કે ઓમિક્રોન, ડેલ્ટાની સરખામણીએ ઓછો જોખમી છે. ઓમિક્રોનથી ગભરાવવાની જરૂર નથી. ડોક્ટર્સે એમ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં ઓમિક્રોનથી જેટલા પણ કેસ મળ્યા તેમાંથી કોઈ પણ ગંભીર રીતે બીમારનહતા. જો કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે તે તો મોટાભાગના એક્સપર્ટ્સ માને છે.

સંક્રામક બીમારીઓના સ્પેશિયાલિસ્ટ અને ઓમિક્રોન પીડિતોની સારવાર કરી ચૂકેલા ડોક્ટર સયાન ચક્રવર્તીએ કહ્યું કે અત્યાર સુધીમાં મે જે જોયું છે તેનાથી જાણવા મળ્યું છે કે ઓમિક્રોન, ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓછો જોખમી છે. બીજી લહેર દરમિયાન આપણે વધુ ગંભીર કેસ જોયા છે. ઓમિક્રોનના આવા કેસ હોવાની સંભાવના ઓછી છે. ફક્ત હું જ નહીં પરંતુ અને વિદેશી રિપોર્ટ પણ આવું જ કહે છે. ઓમિક્રોનના લક્ષણો હળવા છે. ફક્ત હળવો તાવ અને ઉધરસ આવે છે.

ક્રિટિકલ કેર એક્સપર્ટ અને ઓમિક્રોનથી સંક્રમિત અનેક દર્દીઓની સારવાર કરી ચૂકેલા ડોક્ટર સાસ્વતી સિન્હાએ કહ્યું કે અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૪ દર્દીઓની સારવાર કરી છે. તેમાંથી કોઈ પણ ગંભીર રીતે બીમાર નહતા. તેમનામાં હળવા લક્ષણ હતા. વિદેશી રિપોર્ટ્સ પણ આ જ કહે છે. ઓમિક્રોનના લક્ષણો હળવા છે. જો કે તે ઝડપથી ફેલાય છે. આપણે બીજી ઘાતક લહેર જોઈ ચૂક્યા છે. કેટલાક ઓમિક્રોનના કેસ જોયા બાદ મને લાગે છે કે હાલાત ખરાબ નહીં થાય.

આ બાજુ કોવિડ એક્સપર્ટ ડોક્ટર જોગીરાય રોયે કહ્યું કે ઓમિક્રોન એક હળવી બીમારી છે. વધુ કેસ ડેલ્ટા વેરિએન્ટના જ સામે આવી રહ્યા છે. જે લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થાય છે તેમને ઓક્સિજનની જરૂર પડે છે. મને નથી લાગતું કે ઓમિક્રોનમાં ઓક્સિજનની વધુ જરૂર પડશે. જો મોટાભાગના લોકો ઓમિક્રોનથી સંક્રમિત થઈ જાય તો આપણને ઈમ્યુનિટી મળી જશે. જે લોકો રસી લઈ ચૂક્યા છે તેમનામાં મિક્સ્ડ ઈમ્યુનિટી વિક્સિત થઈ જશે. તેનાથી સારું શું હોઈ શકે?

અત્રે જણાવવાનું કે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી અત્યાર સુધીમાં ૧૭૦૦ જેટલા લોકો સંક્રમિત થયા છે. ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તે પ્રસરી ચૂક્યો છે. જેમાંથી ૬૩૯ લોકો કા તો સાજા થઈ ગયા છે અથવા તો માઈગ્રેટ થઈ ચૂક્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૫૧૦ કેસ ત્યારબાદ દિલ્હીમાં ૩૫૧, કેરળમાં ૧૫૬, ગુજરાતમાં ૧૩૬, તામિલનાડુમાં ૧૨૧ અને રાજસ્થાનમાં ૧૨૦ કેસ નોંધાયા છે.

 

(12:00 am IST)