Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

IRS ઓફિસર સમીર વાનખેડેની એનસીબીમાંથી વિદાય : 4 મહિનાનું એક્સટેન્શન પૂર્ણ : વધુ એક્સ્ટેંશન ન અપાયું

સમીર વાનખેડેના નેતૃત્વમાં છેલ્લા 2 વર્ષની અંદર આશરે 17 હજાર કરોડ રૂપિયાના નશા અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરાયો

મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને એનસીબીમાં આગળ એક્સટેન્શન ના આપવામાં આવ્યું. તેમનું વર્તમાન એક્સટેન્શન 31મી ડિસેમ્બરે સમાપ્ત થયું હતું. ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડે IRS ઓફિસર છે જે મુંબઈના ડ્રગ્સ કેસોની તપાસના કારણે ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ આર્યન ખાનની ધરપકડને લઈને તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા.

IRS ઓફિસર સમીર વાનખેડેનું એનસીબીમાં 4 મહિનાનું એક્સટેન્શન 31મી ડિસેમ્બર, 2021ના રોજ સમાપ્ત થઈ ગયું છે. એનસીઆરબીમાં તેમની તૈનાતીને લઈને કેટલાક દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, તેમને ફરી એક્સટેન્શન મળી શકે છે પરંતુ તેમ ન બન્યું.

મહારાષ્ટ્રના રહેવાસી સમીર વાનખેડે 2008ની બેચના આઈઆરએસ અધિકારી છે. ભારતીય રાજસ્વ સેવા જોઈન કર્યા બાદ તેમનું પહેલું પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે થયું હતું. તેમની કાબેલિયતના કારણે તેમને બાદમાં આંધ્ર પ્રદેશ અને પછી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેઓ નશા અને ડ્રગ્સ સાથે સંકળાયેલા કેસના નિષ્ણાંત મનાય છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં છેલ્લા 2 વર્ષની અંદર આશરે 17 હજાર કરોડ રૂપિયાના નશા અને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો.

યાર બાદ સમીર વાનખેડેને ડીઆરઆઈમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એનસીઆરબીના મુંબઈ યુનિટના પ્રમુખ તરીકે સમીરે બોલિવુડમાં ખળભળાટ મચાવી દીધો હતો. અનેક ફિલ્મી હસ્તિઓને પુછપરછ માટે પોતાની ઓફિસ બોલાવ્યા હતા.

સમીર વાનખેડેએ જ 2 ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ શિપ પર રેડ કરી હતી. આ દરમિયાન તેમણે કિંગ ખાનના દીકરા આર્યન ખાન સહિત 9 લોકોની ડ્રગ્સ કેસમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરી હતી. જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ નહોતું મળી આવ્યું. આ મામલે સમીર વાનખેડેનો ગ્રાફ નીચો ઉતરવાનું શરૂ થયું હતું. ત્યાર બાદ તેમના પર કરોડો રૂપિયાની વસૂલીનો આરોપ પણ લાગ્યો.

ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તેમના વિરૂદ્ધ મોરચો ખોલી દીધો હતો. નવાબ મલિકે સમીર વાનખેડે વિરૂદ્ધ એક એક કરીને એવા ખુલાસા કર્યા કે સમીર વાનખેડે મુશ્કેલીમાં મુકાઈ ગયા. ત્યાં સુધી કે તેમને આર્યન કેસમાંથી પણ દૂર કરી દેવામાં આવ્યા અને હવે તેમને એનસીઆરબીમાંથી પણ કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે.

(12:00 am IST)