Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

એર ઇન્ડિયા ટાટાના હાથમાં થોડુ સોંપી દેવાય ? સુબ્રમણ્યમ સ્વામી પહોંચ્યા કોર્ટ

એર ઇન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા કેન્સલ કરવા માંગણી : અધિકારીઓની ભૂમિકાની CBI તપાસની માંગણી કરી

નવી દિલ્હી તા. ૪ : ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એર ઇન્ડિયાની વિનિવેશ પ્રક્રિયાને રદ્દ કરવા દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ચીફ જસ્ટીસ ડી એન પટેલ અને જસ્ટીસ જ્યોતિસિંહની બેંચ આજે સ્વામીની અરજી પર સુનાવણી કરી શકે છે. ભાજપાને પોતાના સાંસદનું આ વલણ કદાચ પસંદ નહીં આવે પણ સુબ્રમણ્યમ સ્વામી પોતાના આવા વલણ માટે વિખ્યાત છે. ગાંધી પરિવારને પણ કોર્ટમાં લઇ જવાનું કામ તેમણે જ કર્યું છે.

સ્વામીએ વર્તમાન એર ઇન્ડિયા વિનિવેશ પ્રક્રિયા અંગે અધિકારીઓ દ્વારા કોઇ પણ અગ્રિમ કાર્યવાહી, નિર્ણય અથવા અનુમતિને રદ્દ કરવાની માંગણી કરી છે. સ્વામીએ વકીલ સત્ય સબરવાલના માધ્યમથી કરેલ અરજીમાં અધિકારીઓની ભૂમિકા અને કાર્યશૈલીની સીબીઆઇ દ્વારા તપાસ કરાવીને તેનો વિસ્તૃત રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાની પણ માંગણી કરી છે.

ગયા વર્ષે ઓકટોબરમાં કેન્દ્ર સરકારે ટાટા સન્સની એક કંપની દ્વારા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એકસપ્રેસના ૧૦૦ ટકા શેરોની સાથેસાથે ગ્રાઉન્ડ હેન્ડલીંગ કંપની એઆઇએસએટીએસમાં ૫૦ ટકા ભાગીદારી માટે અપાયેલ ઉચ્ચતમ બોલીનો સ્વીકાર કર્યો હતો. ટાટા સન્સના હાથોમાં કમાન ગયા પછી કંપનીના દિવસો બદલાશે અને તે ખોટમાંથી બહાર આવી જશે એવું માનવામાં આવી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા ઘણાં સમયથી ખોટમાં ચાલી રહી છે. યુપીએ સરકાર દરમિયાન પણ તેના ઉધ્ધાર માટે પ્રયાસો કરાયા હતા પણ તે બધા નિષ્ફળ ગયા હતા. ત્યારપછી મોદી સરકારે નીલામી કરીને ટાટા સન્સને તેના ઉધ્ધારની જવાબદારી સોંપી પણ ટાટાનો માર્ગ સરળ અને તેવું લાગતું નથી. સ્વામીનો ઇતિહાસ છે કે તેઓ એક વાર આગળ વધ્યા પછી પાછળ નથી હટતા.

(10:28 am IST)