Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજ ઠાકરેના ઘરે પોલિસ બંદોબસ્‍ત : કલમ ૧૪૯ હેઠળ કાર્યવાહી

લાઉડ સ્‍પીકરનો વિવાદ ગરમાયો

મુંબઇ તા. ૪ : મહારાષ્ટ્રમાં લાઉડ સ્‍પીકર વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ જો મસ્‍જિદો બહાર અઝાનનો અવાજ સંભળાય તો કાર્યકરોને હનુમાન ચાલીસાને પાઠ કરવાનું કહેવાયુ છે. મુંબઈ પોલીસ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરેને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ CrPCની કલમ ૧૪૯ હેઠળ પ્રતિબંધાત્‍મક કાર્યવાહી તરીકે મોકલવામાં આવી છે. કાયદો અને વ્‍યવસ્‍થામાં ખલેલ ન પડે તે માટે મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આ નોટિસ મોકલી છે. આ નોટિસ હેઠળ સંબંધિત વ્‍યક્‍તિને એવું કોઈ કામ ન કરવા સૂચના આપવામાં આવી છે, જેનાથી કાયદો અને વ્‍યવસ્‍થા અને શાંતિમાં ખલેલ પહોંચે, નહીં તો કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવે છે. રાજ ઠાકરેએ મંગળવારે સાંજે પોતાના અલ્‍ટીમેટમને વળગી રહેતાં દેશભરના હિંદુઓને અપીલ કરી હતી કે આવતીકાલથી (૪ મે, બુધવાર) જયાં પણ મસ્‍જિદોમાંથી લાઉડસ્‍પીકર પર અઝાન સંભળાય છે, ત્‍યાં બેવડા અવાજમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે.

૧ મેના રોજ રાજ ઠાકરે દ્વારા ઔરંગાબાદની રેલીમાં અલ્‍ટીમેટમ આપ્‍યું હતું કે જો ૩ મે પછી પણ મસ્‍જિદોમાંથી લાઉડસ્‍પીકર હટાવવામાં નહીં આવે તો પ્‍ફલ્‍ કાર્યકર્તાઓ મસ્‍જિદોની સામે જગ્‍યાએ જગ્‍યાએ તેનાથી બમણા અવાજમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ પછી રાજ ઠાકરે ૩ મેના રોજ સાંજે જાહેરાત કરી કે આવતીકાલથી મસ્‍જિદોમાં લાઉડસ્‍પીકરથી જયાં પણ અઝાન સંભળાય છે, ત્‍યાં હનુમાન ચાલીસાનો પાઠ ડબલ અવાજમાં કરી દેવામાં આવશે. આ પછી મુંબઈ પોલીસ તરત જ એક્‍શનમાં આવી ગઈ, CrPCની કલમ ૧૪૯ હેઠળ, રાજ ઠાકરે પર પ્રતિબંધાત્‍મક કાર્યવાહી કરી અને નોટિસ આપી. એટલે જો આજથી કાયદો અને વ્‍યવસ્‍થાની કોઈ પણ સ્‍થિતી બગડી તો તેના માટે રાજ ઠાકરે પોલિસ દ્વારા થતી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

આ પહેલા પણ રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો છે. ૧ મેના રોજ ઔરંગાબાદની રેલીમાં ભડકાઉ ભાષણને લઈને કેસ નોંધવામાં આવ્‍યો છે. ઔરંગાબાદ સિટી ચોક પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધવામાં આવ્‍યો છે. રાજ ઠાકરેએ ઔરંગાબાદની રેલીમાં તેમના અલ્‍ટીમેટમનો પુનરોચ્‍ચાર કર્યો હતો કે જો ત્રણ તારીખ પછી પણ મસ્‍જિદોમાંથી લાઉડસ્‍પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ દ્વારા મસ્‍જિદની સામે હનુમાન ચાલિસાનો પાઠ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, રાજ ઠાકરેને સભા આયોજિત કરતા પહેલા પરવાનગી આપતી વખતે જે ૧૬ શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો, તેમાંથી ૧૨ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્‍યું છે.

(10:47 am IST)