Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કોટક સહિતના અનેક બ્રોકરેજ હાઉસમાં ટેક્નિકલ ખામી થઈ

શેર બજારના સૌથી મોટા આઈપીઓની શરૃઆત થઈ ઃ ટ્રેડર્સ દ્વારા દ્વારા મુકવામાં આવેલી લિમિટ્સ રદ્દ થઈ છે અથવા તો એક્સચેન્જો ઉપર સબમિટ થઈ જ નથી

મુંબઈ, તા.૪ ઃ ભારતીય શેર બજારના ઈતિહાસના સૌથી મોટા આઈપીઓની આજથી શરૃઆત થઈ રહી છે. જોકે તે પૂર્વે જ વિશ્વના સૌથી મોટા અને વિશ્વના સૌથી ઝડપી ટ્રેડિંગ એક્સચેન્જો ઉપર અનેક ટેક્નિકલ સમસ્યાઓ સર્જાઈ રહી છે. બુધવારે સવારે એનએસઈ પર પ્રી-ઓપનિંગ સેશનમાં અમુક ટેક્નિકલ ખામીઓ સર્જાયા બાદ અનેક ખાતાધારકોની સોદા રદ્દ થયાની ફરિયાદો બાદ હવે દિગ્ગજ બ્રોકરેજ હાઉસ કોટક સિક્યોરિટીએ પણ સ્વીકાર્યું છે કે, તેમના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટેક્નિકલ ખામી સર્જાઈ છે. કોટક સિક્યોરિટીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, અમને ફરિયાદો મળી રહી છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. ઝડપથી આ સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવશે.

 ટ્રેડર્સ અને રોકાણકારોને પડી રહેલી મુશ્કેલીઓ બદલ અમે દિલગીર છીએ.

અત્રે નોંધનીય છે કે, કોટક સિક્યોરિટી સિવાય પણ અનેક બ્રોકરેજ હાઉસ જેમ કે, ગોલ્ડમાઈન બ્રોકરેજ હાઉસ જેવા અન્ય નાના-મોટા હાઉસના ટ્રેડિંગ સિસ્ટમમાં પણ ખામી સર્જાઈ છે.

ટ્રેડર્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અનુસાર તેમના દ્વારા મુકવામાં આવેલી લિમિટ્સ રદ્દ થઈ છે અથવા તો એક્સચેન્જો ઉપર સબમિટ થઈ જ નથી.

તાજેતરમાં લાગુ થયેલા નવા માર્જિન નિયમોના કારણે પણ લેઝર બેલેન્સ, લિમિટમાં શરૃઆતી તબક્કામાં અમુક સમસ્યાઓ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.

ટ્રેડરોએ ૨ મે, ૨૦૨૨થી જ નવા નિયમોના કારણે તેમની ફ્યુચર્સ અને ઓપ્શન્સની માર્જિન આવશ્યકતાના ૫૦ ટકા રાખવા ફરજિયાત બન્યા છે, જ્યારે બ્રોકરો શેર બજારો પાસેની તેમની માર્જિન જરૃરીયાતને પૂરી કરવા માટે હવેથી એક ક્લાયન્ટ-ગ્રાહકની કેશનો ઉપયોગ અન્ય ક્લાયન્ટ માટે કરી શકશે નહીં. સેબીના આ પગલાંથી બ્રોકરોની મૂડી જરૃરીયાતમાં વધારો થશે અને એનાથી ટ્રેડરો માટે ટ્રેડીંગ કરવું વધુ ખર્ચાળ બન્યું છે.

આ સાથે મોટા બ્રોકરોમાં ફંડિંગ માટે હરીફાઈ તીવ્ર બનવાની અને ઘણા નાના બ્રોકરોનો મૃત્યુઘંટ વાગી જવાની પણ શકયતા બતાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માર્જિનના નિયમો હેઠળ બ્રોકરો દ્વારા ટ્રેડીંગ ક્લાયન્ટોને ટ્રેડીંગ કરવા માટે ગીરો-પ્લેજ શેરો કોલેટરલ તરીકે ઉપયોગ કરવા દેવામાં આવતાં હતા. જો કે ક્લાયન્ટોએ તેમની કુલ કોલેટરલના ૫૦ ટકા કેશમાં લાવવાની આવશ્યકતા હતી, છતાં બ્રોકરો દ્વારા એ માટે ફરજ પાડવામાં આવતી  નહોતી.

(8:00 pm IST)