Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

છેલ્લા ૭૩ વર્ષથી એક ટ્રેનમાં લોકો મફત મુસાફરી કરે છે

ભારતીય રેલવે વિશ્વનું ચોથા નંબરનું મોટું રેલ નેટવર્ક ઃ ટ્રેનને ભાખડા ડેમની જાણકારી માટે ચલાવવામાં આવે છે

નવી દિલ્હી, તા.૪ ઃ ભારતીય રેલ્વે પોતાનામાં જ સૌથી અનોખી માનવામાં આવે છે, તે વિશ્વનું એક ખૂબ જ જટિલ રેલ્વે નેટવર્ક છે. ભારતીય રેલવે એશિયાની બીજી અને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. પરંતુ શું તમને ખબર છે કે, ભારતમાં છેલ્લા ૭૩ વર્ષોથી એક એવી ટ્રેન પણ ચાલી રહી છે જેમાં મુસાફરી કરનારે કોઈ ભાડુ ન ચૂકવવું પડે. આ ટ્રેનમાં લોકો ફ્રીમાં મુસાફરી કરે છે. ભારતમાં મોટેભાગે લોકો રેલ મુસાફરી કરવાનું પસંદ કરે છે કારણ કે, તે સસ્તી અને આરામદાયક હોય છે. જો કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ભાડું ચૂકવવું જરૃરી છે પરંતુ અમે તમને જે ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમે ભાડું ચૂકવ્યા વિના મુસાફરી કરી શકો છો.

આ ટ્રેન ભાખડા અને નાગલ વચ્ચે ચાલે છે. તે હિમાચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર પર ચાલે છે. ભાખડા નાગલ બંધ જોવા જનારા લોકો આ ટ્રેનમાં મફત મુસાફરીનો ફાયદો ઉઠાવી શકે છે. આ ટ્રેનમાં ૨૫ ગામના લોકો લગભગ છેલ્લા ૭૩ વર્ષથી ફ્રીમાં મુસાફરી કરી રહ્યા છે. વાસ્તવમાં આ ટ્રેનને ભાખડા ડેમની જાણકારી માટે ચલાવવામાં આવે છે જેના થકી દેશની ભાવી પેઢી એ જાણી શકે કે દેશનો સૌથી મોટો ભાખડા ડેમ કેવી રીતે બન્યો છે.

દેશની આવનારી પેઢી એ જાણી શકે કે, દેશનો સૌથી મોટો ભાખડા ડેમ ક્યા પ્રકારે બન્યો હતો. તેમને એ જાણવા મળે કે ડેમ બનાવવામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ રેલવે ટ્રેકને બનાવવા માટે પહાડોને કાપીને દુર્ગમ રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ ટ્રેનને પ્રથમ વખત ૧૯૪૯માં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં લગભગ ૩૦૦ લોકો દરરોજ મુસાફરી કરે છે. આ ટ્રેનનો સૌથી વધુ લાભ વિદ્યાર્થીઓને મળે છે

ભાખડા વ્યાસ મેનેજમેન્ટ બોર્ડ આ ટ્રેનનું સંચાલન કરે છે. આ ટ્રેન નાંગલથી સવારે ૭ઃ૦૫ વાગ્યે ઉપડે છે અને લગભગ ૮ઃ૨૦ વાગ્યે આ ટ્રેન ભાખડાથી નાંગલ તરફ પાછી આવે છે.  ફરી એકવાર બપોરે ૩ઃ૦૫ વાગ્યે તે નાંગલથી ઉપડે છે અને સાંજે ૪ઃ૨૦ વાગ્યે તે ભાકરા ડેમથી નાંગલ પરત આવે છે.

(8:02 pm IST)