Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

લવ મેરેજની સજા : ગામને ભોજન, દોઢ લાખનો દંડ : માંગ પૂરી ન થતાં બાંધીને માર્યા

પ્રેમી યુગલે લગ્ન કરી લેતા ગામના અમુક લોકોને ના ગમ્યું: માંગ પૂરી કરવાની ના પાડતા સાસરિયાને ઢોર માર માર્યો

પટણા તા. ૪ : બિહારના અરરિયા જિલ્લાના નરપતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રામઘાટમાં બે બાળકોની માતાએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લેતા ગામના અમુક લોકોને ના ગમ્યું. જેથી તેઓએ તઘલખી ફરમાન કરીને પ્રેમીઓને આખા ગામ માટે ભોજનું આયોજન કરવા અને દોઢ લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જયારે કપલે માંગણી પૂર્ણ કરવાની ના પાડી તો બદમાશો તેમના ઘરે ઘૂસી ગયા હતા અને પ્રેમીઓ સહિત અન્ય મહિલા સભ્યોને માર માર્યો હતો અને બધાને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, યુવકના પિતાને પણ બાંધીને માર મારવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં નરપતગંજ પોલીસ રાત્રે જ રામઘાટ પહોંચીને તેમને મુકત કરાવ્યા હતા અને સુરક્ષિત પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પંજાબના અમૃતસરની રહેવાસી બે બાળકોની માતા ઉષા દેવી બે મહિના પહેલા તેમના બે બાળકો સાથે ગામડે આવી હતી, અને રામઘાટ પંચાયત વોર્ડ નંબર-૧૪માં રહેતા સીતારામ યાદવના પુત્ર સુમન યાદવ સાથે હિન્દૂ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. સુમન યાદવ અમૃતસરમાં મજૂર તરીકે કામ કરતો હતો અને છેલ્લા ઘણા સમયથી તે બંને એક બીજાને પ્રેમ કરતા હતા. કોરોના કાળ દરમિયાન ઉષા દેવી અમૃતસરથી તેના બે બાળકો સાથે રામઘાટ ગામ આવી હતી અને ત્યારબાદ પરિવારની સંમતિ પછી બંનેએ એક બીજા સાથે લગ્ન કર્યા હતા.

જો કે, પ્રેમી યુગલે આ રીતે લગ્ન કરી લેતા ગામના અમુક લોકોના ના ગમ્યું. લગ્ન પછી ગામના આ બદમાશોએ લગ્નના બદલામાં આખા ગામલોકોને ભોજન સમારંભ અને લગ્ન કરવા બદલ દોઢ લાખ રૂપિયા દંડ ચૂકવવા માટે કહ્યું હતું. પરંતુ જયારે તેઓ આ તઘલખી ફરમાનને માનવાની ના પાડી ત્યારે પહેલા તો બદમાશોએ નરપતગંજ પોલીસને જણાવ્યું કે, સીતારામ યાદવ, મહિલા અને તેના બે બાળકોને ગાયબ કરી દીધા છે.

પંરતુ તેની કોઈ અસર ન થતાં દસથી પંદર બદમાશ સીતારામ યાદવના ઘરે ઘૂસી ગયા હતા અને મહિલાઓ પર હુમલો કરીને દુર્વ્યવહાર કર્યો હતો. આ હુમલામાં મહિલાઓ અને ઘરના અન્ય સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બદમાશોએ યુવકના પિતા સીતારામ યાદવને બાંધીને મારવાનું શરૂ કર્યું. પરંતુ આ દરમિયાન બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ગામમાં પહોંચ્યો હતો અને પીડિત સીતારામને મુકત કરાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પીડિત સીતારામ યાદવની બીજી પુત્રવધૂ સીતા દેવીએ મુન્ના યાદવ, અમરેન્દ્ર યાદવ, અરૂણ યાદવ, કિશન યાદવ, ગણેશ યાદવ સહિતના લોકો પર ઘરમાં પ્રવેશ કરીને તેની સાસુ સહિત પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવતા નરપતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નરપતગંજ પોલીસ સ્ટેશનના અધિકારી એમ.એ.હૈદરીએ આ મામલે જણાવ્યું કે, ફરિયાદ નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

(10:26 am IST)