Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

બે વર્ષમાં બે ડઝનથી વધુ ભાજપના નેતા ઠાર

કાશ્મીરમાં ભાજપના નેતા આતંકીઓના ટોપ લીસ્ટમાં!

જમ્મુ, તા., ૪: કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવાયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ આતંકીઓના ટોપ લીસ્ટમાં આવી ગયા છે. પાછલા બે વર્ષમાં આતંકીઓએ કાશ્મીરમાં બે ડઝનથી વધુ ભાજપના નેતાઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આમ તો કાશ્મીરમાં રાજનેતાઓ પહેલેથી જ આતંકવાદીઓના નિશાના ઉપર રહયા છે. પરંતુ હવે તેમના નિશાના ઉપર માત્ર ભાજપના નેતા અને કાર્યકર્તાઓ છે. આંકડા જોઇએ તો ૩ર વર્ષમાં કાશ્મીરમાં  દોઢ હજારથી વધુ રાજકારણીઓને મારી નખાયા છે. છેલ્લા બે વર્ષમાં બે ડઝનથી વધુ ભાજપના નેતા માર્યા ગયા છે.

પ ઓગષ્ટ ર૦૧૯ના  કલમ ૩૭૦ હટાવી દેવાયા પછી આતંકીઓનું નીશાન ભાજપના નેતાઓ બની રહયા છે. ૧૦ જુન ર૦ર૦ના ભાજપના સરપંચ અજય પંડીતાની હત્યા આતંકવાદીઓએ કરી  એક તીરથી બે નિશાન સાધ્યા હતા. આ ઘટનાથી ભાજપના કાર્યકર્તાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો તો બીજી બાજુ કાશ્મીરી પંડીતોની કાશ્મીર વાપસી ઉપર પાણી ફરી ગયું હતું. આ ઘટના પછી સીલસીલો રોકાયો નથી. ૮ જુલાઇ ર૦ર૦ના બાંદીપોરામાં આતંકીઓએ ભાજપના નેતા વસીમ બારીને તેના પિતા બશીર અહમદ અને ભાઇ ઉંમર સુલતાન સાથે તેના ઘરમાં જ શહીદ કરી દીધા હતા. ત્રણેય ભાજપના કાર્યકર્તા હતા.

 આ ઘટનાના એક મહીના પછી ૯ ઓગષ્ટ ર૦ર૦ના ઓમપોરા બડગામમાં ભાજપ નેતા અબ્દુલ હમીદ નઝાર આતંકીઓના હુમલામાં શહીદ થયા હતા. આ ઘટનાના ૩ દિવસ પહેલા ૬ ઓગષ્ટે વેસ્સુ કાજીગુંંડમાં ભાજપ સાથે સંકળાયેલા સરપંચ સજ્જાદ અહમદ ખાંડે આતંકી હુમલામાં નિશાન બન્યા હતા. ર૯ ઓકટોબર-ર૦ંર૦ના કુલગામમાં ભાજપના ૩ કાર્યકર્તા ફીદા હુસેન યત્તુ,  ઉંમર રશીદ બેગ અને ઉંમર રમઝાન હજ્જામનું અપહરણ કરી શહીદ કરી નાખવામાં આવ્યા હતા. ર૯ માર્ચના સોપોરમાં ભાજપ સંબંધીત બે કાઉન્સીલર આતંકી હુમલામાં શહીદ થઇ ગયા હતા અને હવે રાકેશ પંડીતાને મોતને ઘાટ ઉતારી ભાજપમાં ભયનો માહોલ સર્જી દેવાયો છે.

(3:27 pm IST)